સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સમાં એક વેપારીને દરોડા પડ્યા છે. જે ઘટનામાં પ્રકારની મદદ કરી આપવા બદલ રૂ.50 લાખની માગણી કરી રકઝકના અંતે રૂ.21 લાખ નક્કી કર્યા હતા. તે પૈકીના રૂ.2 લાખની લાંચ લેતા જન સહાયક સાપ્તાહિક સમાચારના તંત્રી કિરણસિંહ વિજયસિંહ ચંપાવતની એસીબીની ટીમે ધરપકડ કરી હતી. મોબાઈલ એસેસરીઝનો ધંધો કરતા વેપારીની દુકાન પર પાંચ મહિના પહેલા સીજીએસટીની રેડ થઈ હતી. આ મામલે ચાલી રહેલી તપાસમાં મદદ કરવાનું કહીને વેપારી પાસે પૈસાની માગણી કરી હતી.
સીજીએસટીની ટીમે લગભગ 5 મહિના પહેલા એક મોબાઈલ શોપમાં દરોડો પાડીને કાયદેસરની કાર્યવાહી કરી હતી. વેપારી પર ચાલી રહેલી કાર્યવાહી દરમિયાન જન સહાયક સમાચાર સાપ્તાહિકના તંત્રી કિરણસિંહ વિજયસિંહ ચંપાવતે મોબાઈલ શોપના માલિકના ભાઈનો સંપર્ક કર્યો હતો. ચાલી રહેલી તપાસમાં મદદ કરવાનું કહીને તેણે સીજીએસટી ડિપાર્ટમેન્ટના અધિકારીઓ તેમજ પોતાના માટે રૂ.50 લાખની માગણી કરી હતી. જો કે રકઝકના અંતે રૂ.21 લાખ નક્કી થયા હતા.
વેપારી સાથે વાત થયા બાદ પહેલો હપ્તો રૂ.2 લાખનો આપવાનું નક્કી થયું હતંુ, પરંતુ મોબાઈલ શોપના માલિક સાપ્તાહિકના તંત્રી કિરણસિંહને પૈસા આપવા માંગતા ન હતા. જેથી તેમણે એસીબીનો સંપર્ક કરીને આ અંગે કિરણસિંહ સામે ફરિયાદ કરી હતી. જેના આધારે એસીબીની ટીમે છટકું ગોઠવ્યંુ હતંુ. જેના ભાગરુપે કિરણસિંહ વિજયસિંહ ચંપાવતે આ પૈસા ખાનગી વ્યકિત નીતેશ સંતોષકુમાર ચેકવાનીને આપવા કહ્યું હતુ.
આ માહિતી મળતા જ એસીબીની ટીમ કિરણસિંહની આસપાસ ખાનગી રીતે ગોઠવાઈ ગઈ હતી, જો કે નીતેશે ફરિયાદી પાસેથી પૈસા લીધા હતા અને પૈસા મળી ગયા હોવા અંગે કિરણસિંહને ફોન કરીને જાણ પણ કરી હતી.નીતેશે કિરણસિંહને ફોન કરીને પૈસા મળી ગયા હોવાની હોવાની વાત કરતાની સાથે જ એસીબીની ટીમે કિરણસિંહ વિજયસિંહ ચંપાવતને ઝડપી લીધો હતો, જ્યારે ખાનગી વ્યકિત નીલેશ સંતોષકુમાર ટેકવાની હજુ સુધી પકડાયો નહીં હોવાથી એસીબીની ટીમે તેને પકડવા તજવીજ શરૂ કરી હતી.
આ મામલે પોલીસે કિરણસિંહની ધરપકડ કરીને તેની સાથે અન્ય કોણ કોણ સંકળાયેલું છે તે મામલે વધુ તપાસ પણ શરૂ કરી છે.