બિલિયા અને કાંતિપૂર ગામ વચ્ચે નાલું પણ ન હોવાથી ભારે વરસાદથી ગામલોકોને જીવનું જોખમ
મોરબી જિલ્લાના મોટાભાગના ગામો હવે શહેરને ટક્કર મારે તેવા થઈ ગયા છે. શહેર કરતા પણ સારી સુવિધા હોવાથી ગ્રામ્ય જીવન ધોરણ ઉંચુ આવ્યું છે. પણ અમુક ગામડાઓ એવા છે કે એમને દુર્ભાગ્યવશ સરકાર અને તંત્રના વિકાસના ફળ ચાખવા મળ્યા નથી. એટલે આવી સુવિધાઓના અભાવની પીડાને કારણે મોરબીના બિલિયા ગામનું એ હદે ઉત્તરોત્તર શહેરીકરણ થતા હવે વસ્તી અડધાથી પણ વધુ ઘટી ગઈ છે.
મોરબીના બિલિયા ગામના સરપંચ કાંતિભાઈ પેથાપરએ જણાવ્યું હતું કે, વર્ષ 2011ની વસ્તી ગણતરી મુજબ 1560 જેવી વસ્તી વચ્ચે નોકરી ધંધા અને સંતાનોના ઉજ્જવળ ભવિષ્ય માટે એક હજાર લોકોએ આ ગામમાંથી શહેરીકરણ કર્યું હોય પણ 2011 બાદ વસ્તી પણ થોડી વધી હોય એટલે હાલ આ ગામમાં આશરે 700 લોકો બચ્યા હોય અને આ ગામના લોકોનૅ ઘરેઘરે નળ કનેક્શન આપવામાં આવતા અને નજીકના બરવાળા સંપમાંથી નિયમિત રીતે નર્મદાનું બે કલાક સુધી તેમના ગામમાં શુદ્ધ પાણીનું વિતરણ કરાતું હોય એટલે હાલ પાણીનું મોટું સુખ છે. જો કે રાજપર જેવો બગીચો તેમના ગામે ન હોય પણ ગામના મંદિરમાં હર્યોભર્યો વૃક્ષો અને મંદિરના ખુલ્લા મેદાનમાં બાળકો માટે હીંચકા,લપસીયા મુક્યા હોય અહીં બાળકો રમીને રાજીના રેડ થઈ જાય છે. ગામની અંદરની દરેક શેરી ગલીમાં ટકાટક સારામાં રોડ,લાઈટ, ભૂગર્ભ સ્વચ્છતા સહિતની સુવિધાઓથી ગામલોકો ખુશ છે. પણ આ ગામથી બીજા ગામે જવાના માર્ગ જેવા કે, બિલિયા-ક્રાંતિપુર, બિલિયાથી માણેકવાડા બિલિયાથી લૂંટાવદર, બિલિયાથી બરવાળા એમ આ ચાર ગામડાઓને જોડતા માર્ગો એકદમ અંતરીયાળ અને કાચા માર્ગ હોય ગામલોકોને સામાન્ય દિવસોમાં ભારે હાલાકી પડતી હોય તો ચોમાસામાં વરસાદથી કેવી હાલત થતી હશે ? એની કલ્પના કરતા પણ ધ્રુજી ઉઠાય છે. જો કે આ માર્ગ બનાવવા માટે તેઓએ પોતાના કાર્યકાળ દરમિયાન 10 વખત કલેક્ટર અને જિલ્લા પંચાયત તેમજ ફરિયાદ નિવારણ પંચમાં પણ રજુઆત કરી છતાં હજુ આ માર્ગો સારા બન્યા નથી .એટલે એક ગામથી બીજા ગામમાં જવા માટે ખેડૂતો સહિત દરેક ગ્રામજનોને અવરજવરમાં ભારે મુશ્કેલી પડે છે.
ફુલકી નદી ઉપર નવો બ્રિજ નહિ બનાવાય તો મોટી આફતના એંધાણ
ગ્રામજનોએ જણાવ્યું હતું કે, બિલિયાથી બરવાળાને જોડતી ફુલકી નદી ઉપર ચોમાસામાં મોટું જોખમ રહે છે. પૂર્વ સરપંચએ તેમના કાર્યકાળ દરમિયાન ફુલકી નદી ઉપર બેઠો કોઝવે બનાવ્યો હતો. પણ ચોમાસામાં નદી બે કાંઠે વહેતી હોય આ બેઠો કોઝવે ધોવાઈ જતા સર્પક કપાય જાય છે. જો કે તેમની પાસે ગ્રાન્ટ ન હોવાથી બેઠો પુલ એટલે અત્યારે કામચલાઉ રૂપે રસ્તો બનાવી દીધો છે. પણ ખરેખર તો નદી ઉપર બ્રિજ બાંધવાની જરૂર છે. આ ઉપરાંત બિલિયા અને કાંતિપુર ગામે નાલુ બનાવવું અને બના હોકરા ઉપર કાયદેસર રીતે પુલ જ બનાવવામાં આવે તો ચોમાસામાં કાયમ માટેની મુશ્કેલી દૂર થશે. મોટાભાગના લોકો ખતી ઉપર નિર્ભર હોય પણ સિંચાઈ માટે બહુ ઓછી તકલીફ પડે છે.