ત્રણ સદી જુના શક્તિ માતાના મંદિરથી ગામનું નામ શકત શનાળા પડ્યું,થોડા વર્ષો પહેલા શનાળા સ્વતંત્ર ગ્રામ પંચાયત બનતા વિકાસની રફતાર તેજ બની
મોરબીથી માત્ર પાંચ કિમી દૂર આવેલું શકત શનાળા ગામ ખાધેપીધે સુખી સંપન્ન છે. પણ અમુક વર્ષો અગાઉ સરકાર દ્વારા મોરબી મહાપાલિકા બનાવવા માટે7 વર્ષ પહેલા શનાળા ગામને નગરપાલિકામાં ભેળવ્યું હતું. જો કે નગરપાલિકા શહેરીજનોનું ભલું કરવામાં નિષ્ફળ જતું હોય આ ગામમાં વિકાસ માટે તટસ્થતાથી કેવી રીતે ધ્યાન આપી શકે ? જો કે બે ત્રણ વર્ષ થવા છતાં મહાપાલિકા બનાવવાની કોઈ કાર્યવાહી ન થતા અને નગરપાલિકા આ ગામમાં ધ્યાન જ આપતી ન હોવાથી શનાળા ગામનો વિકાસ રૂંધાયો હતો.
શક્ત સનાળા ગામના અગ્રણીઓ કહે છે કે, આ ગામ આશરે 300 વર્ષ જૂનું અને 2011ની વસ્તી ગણતરી મુજબ ગામની વસ્તી 5800ની આસપાસ છે. આ ગામમાં દેશભરમાંથી શ્રધ્ધાળુઓ વારે તહેવારોમાં ઉમટી પડે છે. આ ગામમાં વર્ષો પહેલા એટલે રાજાશાહી વખતથી શક્તિ માતાજીનું ભવ્ય મંદિર આવેલું હોય અને ક્ષત્રિય સમાજના કુળદેવી હોવાથી અનેક ધાર્મિક કાર્યક્રમો યોજાઈ છે. ખાસ તો દર દશેરાએ શક્તિ માતાજીના મંદિરે મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો દ્વારા તેમના શસ્ત્રોનું પૂજન કરવામાં આવે છે. પહેલા આ ગામ ખેતી આધારિત હોય પણ હવે ઘણા લોકો જુદા જુદા ઉદ્યોગો સાથે સંકળાયેલા હોય ખેતી અને ઉદ્યોગમાં અડધા અડધા લોકો વહેંચાઈ ગયા છે. ગામમાં પ્રાયમરી સ્કૂલ,ભૂગર્ભ ગટર, સફાઈ, લાઈટ, રોડ રસ્તા સહિતની સુવિધાઓ હોય અને ગામમાં 80 ટકા શિક્ષિત વર્ગ છે. જો કે 2011 પછીના ગાળામાં મોરબી નગરપાલિકાને મહાપાલિકા બનાવવા માટે વ્યાપ વધારવા શનાળને મોરબી પાલિકામાં ભેળવ્યું પણ પછી કોઈ કાર્યવાહી જ ન થતા અંતે ગ્રામલોકોની માગણી મુજબ શનાળા ફરી સ્વતંત્ર ગ્રામ પંચાયત બની છે.
પાણીની વિતરણ વ્યવસ્થા ખોરવાય
શનાળા ગામના અગ્રણી કહે છે કે, છેલ્લા બે વર્ષથી તેમના ગામમાં પાણીની ગંભીર સમસ્યા છે. જો કે આ ગામને નર્મદાનું પાણી પૂરું પાડવામાં આવે છે. પણ પાણીની સંગ્રહ ક્ષમતાની સુવિધાઓ ઉપલબ્ધ ન હોવાથી ઘણીવાર પાણીની વિતરણ વ્યવસ્થા ખોરવાય ત્યારે ગામમાં પાણીની ગંભીર કટોકટી સર્જાઈ છે. પાણીની સપ્લાય વ્યવસ્થા યીગ્ય ન હોવાથી પરાણે પાણી ભેગું કરીને ગ્રામજનોને પહોંચાડી છીએ તેવું જણાવ્યું હતું.
ટ્રાફિક જામ પણ ગામની સૌથી મોટી સમસ્યા
શનાળા ગામની મધ્યમાંથી રાજકોટ મોરબી ફોર લેન હાઇવે નીકળે છે રોડની બન્ને સાઈડમાં ગ્રામજનોનો વસવાટ છે આ હાઈવે પર દિવસ રાત વાહનની અવર જવર રહે છે જેના કારણે સવારથી મોડી સાંજ સુધી ટ્રાફિક જામ અને વાહનના અવાજના ઘોંઘાટ વચ્ચે રહેવા મજબુર બન્યા છે