રાજ્યમાં હજુ શિયાળાનો માહોલ બરાબર જામ્યો પણ નથી ત્યાં કમોસમી વરસાદે સૌરાષ્ટ્ર અને ગુજરાતના કેટલાક જિલ્લામાં દસ્તક દેવાની તૈયારી કરી દીધી છે. અરબી સમુદ્રમાં સર્જાયેલા વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ ના કારણે આગામી ૨૫ઘી 27 નવેમ્બર દરમિયાન ક્યાંક છુટા છવાયા કમોસમી ઝાપટા વરસાદ થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. શિયાળામાં વરસાદી આગાહી સામે આવતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ છે. ગુલાબી ઠંડી વચ્ચે વિવિધ વિસ્તારમાં વરસાદના યોગ સામે આવ્યા છે.
ઉત્તર, દક્ષિણ, સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરાઈ છે. 25 નવેમ્બરની વાત કરવામાં આવે તો દાહોદ, પંચમહાલ, અમરેલી, દ્વારકા, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, રાજકોટમાં વરસાદની આગાહી કરાઈ છે.
26 નવેમ્બરે આણંદ, અરવલ્લી, ખેડા, મહીસાગર, મહેસાણા, અમરેલી , ભાવનગર, ગીર સોમનાથ, રાજકોટ સહિત દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
અમદાવાદ સહિતના વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના 18 શહેરમાં લઘુતમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી 7 દિવસ તાપમાનમાં મોટો ફેરફાર રહેશે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર વર્તાશે
વલસાડ, વાપી, ઉદવાડા, ધરમપુર અને સેલવાસના વાતાવરણમાં બદલાવ સાથે છૂટોછવાયો વરસાદ વરસી શકે છે. 25 અને 26મી સુધીમાં સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારોમાં માવઠું વરસી શકે છે. જ્યારે સાર્વત્રિક નહીં પણ છૂટોછવાયો વરસાદ વરસી શકે છે. 22મી થી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર વર્તાશે. મજબૂત ડિસ્ટર્બન્સને કારણે ઉત્તરના પર્વતીય વિસ્તારમાં હિમવર્ષા થાય તેવી પણ ભીતિ જોવા મળી રહી છે. હાલ આ આગાહીને લઈને ખેડૂતોની ચિંતા કરી રહ્યાં છે. જીરૂ, ધાણા અને તૈયાર થયેલા પાકને નુકસાનની ભીતિ જોવા મળી રહી છે.
મોરબી જિલ્લામાં ૧૨૦૦ હેકટર વિસ્તારમાં વરિયાળીનું વાવેતર થઇ ચૂક્યું છે.આં ઉપરાંત ૫૦૦ હેકટરમાં જીરું,૩૦૦ હેક્ટરમાં ચણા,૧૦૦ હેકટર રાઈનું વાવેતર થઇ ચૂક્યું છે.આં ઉપરાંત ૪૦૦ હેકટર મળી કુલ ૨૫૦૦ હેક્ટરમાં શિયાળુ પાકનું વાવેતર પૂર્ણ થઇ ચૂક્યું છે.જો જીલ્લામાં કમોસમી વરસાદ થશે તો શિયાળુ પાકને નુકશાન થવાની સંભાવના છે