જ્યારથી પ્રધાનમંત્રી બન્યા ત્યારથી મોદી દિવાળીની ઉજવણી સરહદ પર ડયુટી કરી રહેલા જવાનો સાથે કરતા આવ્યા છે. આ વર્ષે તેઓ હિમાચલ પ્રદેશના લેપચા પહોંચ્યા હતા અને જવાનોને મળ્યા હતા.
2014માં નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા ત્યારથી જ તેઓ દર વર્ષે દિવાળી જવાનો સાથે જ ઉજવતા આવ્યા છે. પહેલી વખત તેઓ સિયાચીન ગયા હતા, ત્યાં જવાનો સાથે દિવાળી મનાવી હતી. ત્યારબાદ વર્ષ 2015માં તેઓ ખાસા(પંજાબ)માં જવાનો સાથે દિવાળીની ઉજવણી કરવા પહોંચ્યા હતા
વર્ષ 2016માં તેઓ હિમાચલના ચાંગો પહોંચ્યા હતા,જ્યાં ભારત-ચીન સરહદ પાસે જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી હતી. 2017માં જમ્મુ-કાશ્મીરના ગુરેજમાં તેમણે જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી હતી.
2018માં તેઓ ભારત-ચીન સરહદની નજીક ઉતરાખંડના હર્ષિલ ખાતે જવાનો સાથે દિવાળીની ઉજવણી કરવા પહોંચ્યા હતા. 2019માં વડાપ્રધાને રાજૌરીમાં જવાનો સાથે દિવાળી મનાવી હતી.2020માં તેઓ જેસલમેરના લોંગેવાલા પોસ્ટ પર હાજર રહ્યા હતા,જ્યાં જવાનો સાથે દિવાળી ઉજવી હતી. ત્યારબાદ વર્ષ 2021માં પીએમએ કાશ્મીરના નૌશેરા સેક્ટરમાં જવાનો સાથે દિવાળી ઉજવી હતી.
2021માં જવાનો સાથે દિવાળીની ઉજવણી દરમિયાન પીએમ મોદીએ કહ્યું હતું કે,”મેં દરેક દિવાળી સરહદ પર તૈનાત મારા પરિવારના સભ્યો સાથે વિતાવી છે. આજે હું ફરી તમારી વચ્ચે આવ્યો છું. હું તમારી પાસેથી નવી ઉર્જા, નવો ઉત્સાહ અને નવો આત્મવિશ્વાસ લઈશ. પરંતુ હું એકલો નથી આવ્યો, હું મારી સાથે 130 કરોડ દેશવાસીઓના આશીર્વાદ લઈને આવ્યો છું.”
2022માં પીએમ મોદી કારગિલ ગયા હતા અને જવાનો સાથે દિવાળી ઊજવી હતી. અહીં તેમણે કારગિલ યુદ્ધમાં વીરગતિ પામેલા વીર જવાનોને શ્રદ્ધાંજલિ પણ પાઠવી હતી.