ભરતનગર પ્રાથમિક શાળામાં યોજાયેલ મેરી માટી મેરા દેશ કાર્યક્રમમાં ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના હસ્તે શહીદોને શ્રદ્ધાંજલિ આપતી તકતીનું અનાવરણ કરવામાં આવેલ હતું. આ તકે શહીદ વીરોને તેમજ આર્મીમેન તેમજ નિવૃત્ત જવાનોને યાદ કરવામાં આવ્યા હતા. ભરતનગર ગામના નિવૃત્ત આર્મીમેન ઈશ્વરભાઈ મૂળજીભાઈ અઘારા તેમજ ઈશ્વરભાઈ જેરામભાઈ કાસુન્દ્રાનુ સાલ ઓઢાળીને સન્માન કરવામાં આવેલ. વસુધા વંદન કાર્યક્રમ અંતર્ગત કાંતિભાઈના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવેલ હતું. પંચપ્રણ કાર્યક્રમ હેઠળ માટીના દીવડા હાથમાં લઈને પ્રતિજ્ઞા લેવામાં આવી હતી

તેમજ એકત્ર કરેલ માટી કળશમાં અર્પણ કરેલ. ધારાસભ્ય કાંતિભાઈના હસ્તે ધ્વજવંદન કરવામાં આવેલ હતું. ધારાસભ્ય કાંતિભાઈએ પોતાના વક્તવ્યમાં કાર્યક્રમની વિસ્તૃત છણાવટ કરી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની કાર્યશૈલી કાર્યદક્ષતાની જાણકારી આપેલ હતી.કાર્યક્રમનું સમગ્ર સંચાલન શાળાના આચાર્ય રજનીશભાઈ દલસાણિયા , શાળા પરિવાર તેમજ તલાટી મંત્રી વિમલ ભાઈ નેસડીયા દ્વારા કરવામાં આવેલ હતું.

