આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના રોજ ૧૮૧ ‘અભયમ’ મહિલા હેલ્પ લાઈનને ૮ વર્ષ પુર્ણ થઈ રહ્યા છે. મોરબી જિલ્લામાં ૮ વર્ષની સફળ કામગીરીની વાત કરીએ તો જિલ્લામાં ૮ વર્ષ દરમિયાન ૧૮૧ ‘અભયમ’ મહિલા હેલ્પ લાઈન દ્વારા મોરબી જિલ્લામાં કુલ ૯૧,૩૭૪ જેટલી મહિલાઓ માટે જરૂરિયાત મુજબ સલાહ- સુચન, માર્ગદર્શન અને બચાવની મદદ પુરી પાડવામાં આવી છે. ૧૮૧ ‘અભયમ’ એ અનેક માહિલાઓના જીવનમાં નવી આશા જગાડી છે તેમજ તાકીદની પરીસ્થિતિમાં ઘટના સ્થળ ઉપર ૧૮૧ અભયમ રેસ્ક્યુવાન સાથે કાઉન્સિલર સહિતની ટીમ જઇને ૪૫૫૨ જેટલી મહિલાઓને મદદ પુરી પાડવામાં આવી છે. વર્ષ ૨૦૨૨માં મોરબી ૧૮૧ અભયમ હેલ્પલાઇન દ્વારા ૬૬૯ પીડિત મહિલાઓને ઘટના સ્થળ પર જ મદદ પહોચાડવામાં આવી હતી જેમાંથી ૪૨૩ જેટલા કિસ્સાઓમાં કુશળ કાઉન્સિલિંગ દ્વારા સ્થળ પર જ સમાધાનકારી નિરાકરણ લાવવામાં આવેલ અને અન્ય ૨૪૨ જેટલા કિસ્સાઓમાં પીડિતાની ગંભીર પ્રકારની સમસ્યા જણાતા પીડિત મહિલાઓને આગળની કાર્યવાહી માટે પોલીસ સ્ટેશન, મહિલા સહાયતા કેન્દ્ર, સખી વન સ્ટોપ સેન્ટર વગેરે મહિલાલક્ષી સંસ્થાઓ સુધી લઈ જઈ આગળની કાર્યવાહી કરાવવામાં આવી હતી.મહિલાઓને ઘરેલુ હિંસા સહિતની વિવિધ પ્રકારની હિંસા તેમજ મુશ્કેલીની બાબતમાં તાત્કાલિક ધોરણે બચાવ અને સલાહ-માર્ગદર્શન ઉપરાંત મહિલાલક્ષી યોજનાઓની જાણકારી મળી રહે તે માટે “મહિલા હેલ્પલાઈન”ની સુવિધાની આવશ્યકતા જણાતા ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગૃહ વિભાગ, રાજ્ય મહિલા આયોગ અને GVK EMRI દ્વારા સંકલિત રીતે ૮ માર્ચ ૨૦૧૫ ને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના રોજ રાજ્યવ્યાપી “૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન” શરૂ કરવામાં આવી હતી.સમગ્ર દેશમાં ગુજરાત એ આગવી પહેલ કરનાર પ્રથમ રાજ્ય બન્યું છે, જેમાં ૧૮૧ મહિલા હેલ્પલાઇન હેઠળ કુલ ૫૯ રેસ્ક્યુવાનનો કાફલો ૨૪x૭ મહિલાઓની સલામતી અને સુરક્ષાની કામગીરીમાં કાર્યાન્વિત છે. માત્ર ૦૮ વર્ષનાં ટુંકા સમય ગાળામાં જ ૧૧,૭૬,૧૦૨ થી વધારે મહિલાઓને જરૂરિયાત મુજબ સલાહ, બચાવ, માર્ગદર્શન પુરું પાડવામાં આવ્યું છે. અને ૧૮૧ એ અનેક માહિલાઓના જીવનમાં નવી આશા જગાડી છે. તેમજ તાકીદની પરીસ્થિતિમાં ઘટના સ્થળ ઉપર અભયમ રેસ્ક્યુવાન સાથે કાઉન્સિલર જઇ ને ૨,૩૭,૯૦૧ જેટલા મહિલાને મદદ પુરી પાડવામાં આવી છે. અને ૧,૪૯,૩૩૫ જેટલા કિસ્સામાં સ્થળ ઉપર જ સમાધાન કરી કેસનો નિકાલ કરવામાં આવ્યો છે. ૭૧,૮૭૨ જેટલી મહિલાઓના ગંભીરપ્રકારના કિસ્સામાં ઘટના સ્થળ ઉપર જઈને રેસ્ક્યુવાન દ્વારા રેસ્ક્યુ કરીને લાંબાગાળાના કાઉન્સિલિંગ માટે સરકારની અન્ય સંસ્થાઓ સુધી પહોચાડવામાં આવી હતી.

