દેશના પૂર્વોતર રાજ્યો પૈકીના ત્રણ રાજ્યમાં હાલ વિધાનસભા ચુંટણીની મત ગણતરી ચાલી રહી છે. આ ત્રણ વિધાનસભા ચૂંટણીમાં ત્રિપુરામાં 60, મેઘાલયમાં 59 અને નાગાલેન્ડમાં 60 સીટો માટે ટ્રેન્ડ આવી ગયો છે. આ વલણોમાં ભાજપ ગઠબંધનને નાગાલેન્ડમાં 41 અને ત્રિપુરામાં 22 બેઠકો મળતી જોવા મળી રહી છે. NPP 25 બેઠકો સાથે મેઘાલયમાં સૌથી મોટી પાર્ટી છે. એક્ઝિટ પોલમાં પણ આવો જ અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
નાગાલેન્ડ વિધાનસભાનો કાર્યકાળ 12 માર્ચે સમાપ્ત થશે. તે જ સમયે, મેઘાલયમાં વિધાનસભાનો કાર્યકાળ 15 માર્ચે અને ત્રિપુરામાં 22 માર્ચે સમાપ્ત થઈ રહ્યો છે. અહીં વોટિંગ બાદ આવેલા એક્ઝિટ પોલમાં ત્રિપુરા-નાગાલેન્ડમાં બીજેપી ગઠબંધનને બહુમતી મળવાની આગાહી કરવામાં આવી છે. મેઘાલયમાં કોઈને સ્પષ્ટ બહુમતી મળવાની આશા નથી. એટલે કે ત્રિશંકુ વિધાનસભાની શક્યતાઓ છે.
ત્રિપુરામાં ગત વિધાનસભા ચુંટણી કરતા 4 ટકા મતદાન ઘટાડો થયા બાદ 86.10% મતદાન થયું હતું
16 ફેબ્રુઆરીએ ત્રિપુરા વિધાનસભા ચૂંટણીમાં 60 બેઠકો પર 86.10% મતદાન નોંધાયું હતું. આ ગત ચૂંટણી કરતાં 4% ઓછું હતું. 2018 માં, ત્રિપુરામાં 59 બેઠકો પર 90% મતદાન થયું હતું. ભાજપ 35 બેઠકો જીતીને સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે. આ સાથે ભાજપે ડાબેરીઓના 25 વર્ષના ગઢને તોડી પાડ્યો હતો. ગત ચૂંટણીમાં જીત બાદ પાર્ટીએ બિપ્લબ દેવને સીએમ બનાવ્યા હતા, પરંતુ મે 2022માં માણિક સાહાને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. પાર્ટીએ સાહાના નેતૃત્વમાં ચૂંટણી લડી હતી.
2023ની ચૂંટણીમાં, ભાજપે તમામ 60 બેઠકો પર ચૂંટણી લડી હતી, ડાબેરી-કોંગ્રેસ ગઠબંધન (અનુક્રમે 47 અને 13 બેઠકો) લડ્યા હતા. ટીપ્રા મોથા પાર્ટીએ 42 સીટો પર ચૂંટણી લડી હતી. આમ, રાજ્યમાં ત્રિકોણીય સ્પર્ધાની અપેક્ષા છે.
મેઘાલય: 85.27% મતદાન, ગત ચૂંટણી કરતાં 10% વધુ
મેઘાલયમાં 27 ફેબ્રુઆરીએ 60માંથી 59 બેઠકો પર મતદાન થયું હતું. 85.27% મતદાન થયું હતું. યુડીપી ઉમેદવાર એચડીઆર લિંગદોહના મૃત્યુને કારણે સોહ્યોંગ સીટની ચૂંટણી મોકૂફ રાખવામાં આવી હતી. 2018માં 67% મતદાન થયું હતું. આ વખતે એનપીપીએ 57, કોંગ્રેસ અને ભાજપે 60-60 અને ટીએમસીએ 56 બેઠકો માટે ઉમેદવારો ઉભા રાખ્યા છે.
2018માં મેઘાલયમાં 59 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી. કોંગ્રેસે સૌથી વધુ 21 બેઠકો જીતી હતી. અહીં ભાજપને માત્ર 2 બેઠકો મળી શકી હતી. નેશનલ પીપલ્સ પાર્ટી (NPP)ને 19 બેઠકો મળી હતી. તેણે PDF અને HSPDP સાથે મળીને સરકાર બનાવી. તેમણે મેઘાલય ડેમોક્રેટિક એલાયન્સ (MDA)ની રચના કરી. એનપીપીના કોનરાડ સંગમા મુખ્યમંત્રી છે.