રાજ્યની 182 વિધાન સભા બેઠક અંતે પ્રથમ તબક્કાની 89 બેઠક પર શાંતિ પૂર્ણ મતદાન થયા બાદ આજે બીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું હતું. મોટા ભાગના રાજ્આયમાં શાંતિ પૂર્ણ રીતે મતદાન થયું હતું પરંતુ કલોલ 38-વિધાનસભા બેઠકમાં સંત અન્ના સ્કૂલના વોટિંગ બૂથની બહાર ગેરરીતિ થતી હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસ ઉમેદવાર બળદેવજી ઠાકોર ઘટનાસ્થળે પહોંચ્યા હતા, જ્યાં ચોક્કસ પક્ષના લોકો સાથે ગાળાગાળી બાદ મામલો ઝપાઝપી સુધી પહોંચી ગયો હતો, જેથી પોલીસે તાત્કાલિક સ્થળે પહોંચી સમગ્ર મામલો શાંત પાડ્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો સામે આવ્યો છે.

કલોલ 38-વિધાનસભા બેઠકનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં ચાલુ હતું. એ દરમિયાન સંતાનના સ્કૂલની બહાર વિરોધપક્ષ દ્વારા એક પ્રાઇવેટ ટેબલ મૂકવામાં આવ્યું હતું, જેમાં મતદારોના મોબાઈલ કલેક્ટ કરવામાં આવતા હતા. આ પ્રાઇવેટ ટેબલ ઉપર બેઠેલી વ્યક્તિઓ દ્વારા મતદારોને ચોક્કસ એક પક્ષને મત આપવા માટે જણાવવામાં આવતું હોવાનો આક્ષેપ કોંગ્રેસ ઉમેદવાર બળદેવજી ઠાકોરે કર્યો હતો. આ સાથે બળદેવજી ઠાકોર સ્થળે પહોંચીને તાત્કાલિક ધોરણે ટેબલ હટાવી લેવાનું કહેતાં વિરોધપક્ષના લોકો વચ્ચે ગાળાગાળી થવા પામી હતી. એ બાદ મામલો ઉગ્ર બની ઝપાઝપી સુધી પહોંચી ગયો હતો. આ ઘટનાને પગલે લોકોનાં ટોળેટોળાં ઊમટી પડ્યાં હતાં અને સમગ્ર ઘટના મોબાઈલમાં કેદ થવા પામી હતી.


