ચૂંટણી એ લોકશાહીનું પર્વ છે. આજરોજ વિધાનસભા-૨૦૨૨ની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનની ફરજ અદા કરવા યુવા, પ્રૌઢ, વરિષ્ઠ નાગરિકો સર્વે ઉત્સાહભેર આવી રહ્યા છે ત્યારે સખી બૂથની બહેનો મહિલાઓની ‘સખી’ બનીને મતદાનની ફરજમાં મદદરૂપ બની રહી છે.
રાજકોટના દક્ષિણ વિધાનસભા વિસ્તારમાં આવેલી અંબાજી કડવા પ્લોટની પ્રાથમિક શાળાનં.૬૯ના બૂથ નં. ૧૪૯-સખી બૂથમાં ફરજ નિભાવતાં બહેનો મહિલા મતદારોની મિત્ર બની મતદાનની પ્રક્રિયા સમજાવી તેમાં મદદરૂપ બની રહ્યાં છે. આ બૂથમાં કુલ ૯૮૮ મતદારો નોંધાયેલા છે.જે પૈકી પુરુષ મતદારો ૫૦૬ અને સ્ત્રી મતદારો ૪૮૨ નોંધાયેલા છે. જે પૈકી મતદાનના પ્રારંભના બે કલાકમાં જ ૧૨% થી વધુ મતદાન નોંધાઈ ચૂક્યું છે.
જો મહિલાઓ જ મહિલાઓની માર્ગદર્શક અને સહાયક બને તો સામાજિક રીત-રિવાજો સાથે મતદાનની ફરજ અદા કર્યાનો સંતોષ પણ મેળવી શકાય.
આ વિચાર સાથે વિધાનસભા-૨૦૨૨ની ચૂંટણીમાં સંપૂર્ણ મહિલા સંચાલિત સખી બૂથ કાર્યરત કરાયા છે. જેમાં વિધાનસભા ૭૦- રાજકોટ દક્ષિણ વિસ્તારમાં કુલ સાત સખી બૂથ કાર્યરત છે. જ્યાં પોલિંગ ઓફિસર, પ્રિસાઇડિંગ ઓફિસર સહિત સંપૂર્ણ સ્ટાફ મહિલાઓ છે. આ મહિલાઓ સતત ખડે પગે રહીને વધુમાં વધુ મતદાન થાય તે માટે સતત કાર્યરત છે.

