વડોદરા જિલ્લાના પાદરા ગામમાં યોજાયેલા ધાર્મિક કાર્યક્રમના જમણવાર બાદ મોટા પાયે લોકોની તબિયત લથડી પડતા હોસ્પિટલ ખસેડવા પડ્યા હતા. જે બાદ તબીબોએ ફૂડ-પોઈઝનિંગના કારણે ઘટના બની હોવાનું તારણ વ્યક્ત કરવામાં આવ્યું હતું. પાદરાના ગોવિંદપુરા વિસ્તારમાં ધાર્મિક પ્રસંગેમાં ખીર ખાવાને કારણે બાળકો સહિત 123 જેટલા લોકોને ફૂડ-પોઈઝનિંગની અસર થતાં અફરાતફરી મચી ગઈ હતી. ખીર ખાવાના તબિયત બગડતાં તમામને તાત્કાલિક પાદરાના સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા. જે લોકોની હાલત ખરાબ હતી તેવા લોકોને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા.
આ બનાવને પગલે જિલ્લા આરોગ્યતંત્ર તેમજ વડોદરા મહાનગરપાલિકાની ટીમ પણ દોડતી થઇ હતી. બનાવની જાણ થતાં વડોદરા જિલ્લા કલેક્ટર પણ પાદરા સરકારી હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા. જોકે તમામની હાલત ખતરા બહાર હોવાથી તંત્રએ રાહત અનુભવી હતી.

પાદરાના ગોવિંદપુરા ખાતે હોમિયોપેથિક ડો. અબુબકર અલીકત સૈયદ દ્વારા ધાર્મિક નિયાઝનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી. આ પ્રસંગમાં બનાવવામાં આવેલી ખીર ખાવાથી ફૂડ-પોઈઝનિંગનો બનાવ બન્યો હતો. 123 જેટલા લોકોની તબિયત બગડી હતી અને તેમને તાત્કાલિક સારવાર અર્થે પાદરાની સરકારી હોસ્પિટલમાં ખસેવામાં આવ્યા હતા.
એક પછી એક બાળકો સહિત મોટા લોકોને ફૂડ-પોઈઝનિંગની અસર થતાં દોડધામ મચી ગઈ હતી. પાદરા સરકારી હોસ્પિટલમાં લોકોનાં ટોળેટોળાં ઊમટી પડ્યાં હતાં. પાદરાની હોસ્પિટલનો માર્ગ એમ્બ્યુલન્સની સાયરનો તેમજ જિલ્લા કલેક્ટર સહિત ઉચ્ચ અધિકારીઓ અને રાજકીય નેતાઓની ગાડીઓથી ગુંજી ઊઠ્યો હતો.


