Sunday, May 19, 2024
HomeBussinessચીનમાં વિશ્વની સૌથી મોટી આઈફોન ફેકટરીમાં વિરોધ પ્રદર્શન, અનેક ઘાયલ..

ચીનમાં વિશ્વની સૌથી મોટી આઈફોન ફેકટરીમાં વિરોધ પ્રદર્શન, અનેક ઘાયલ..

બેઈજિંગ : ચીનના ઝેંગઝોઉમાં સ્થિત વિશ્વની સૌથી મોટી આઈફોન ફેકટરીમાં બુધવારે થયેલી ઘટનાએ સૌનું ધ્યાન ખેચ્યું છે. અહીં છેલ્લા ઘણા અઠવાડિયાઓથી કોરોનાને લગતા પ્રતિબંધોનો સામનો કરી રહેલા કર્મચારીઓએ ફેકટરીના દરવાજા પાસે લાગેલા બેરિકેડસ તોડીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન ભાગવાનો પ્રયાસ કરી રહેલા ફેકટરી કર્મીઓને સુરક્ષા કર્મીઓેએ માર માર્યો હતો. કેટલાક ફેકટરી કર્મીઓને પોલીસ કસ્ટડીમાં પણ લેવામાં આવ્યા હતાં.

પ્રાપ્ત થતી માહિતી અનુસાર, ચીનમાં સરકાર દ્વારા લાદવામાં આવેલા કોરોનાના આકરા નિયમોનો ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે. અહીં ઝેંગઝોઉ સ્થિત ફોક્સકોન ટેકનોલોજીના પ્લાન્ટમાં સરકારની ઝીરો કોવિડનીતિને કારણે કર્મચારીઓની ઘટ સર્જાતા કંપની દ્વારા જાહેર ખબર આપીને નવા કર્મીઓની ભરતી કરવામાં આવી હતી. વિરોધ કરી રહેલા કર્મચારીઓનો આરોપ છે કે, ફોક્સકોન દ્વારા જાહેરખબર આપીને ઊંચા વેતનનો વાયદો કરવામાં આવ્યો હતો.

વિરોધ પ્રદર્શન કરી રહેલા એક કર્મચારીએ જણાવ્યું કે, કંપની દ્વારા તેમને બે મહિનાના કામને અંતે રૂપિયા ૨,૮૫,૫૧૪ આપવાની લોભામણી જાહેરાત કરવામાં આવી હતી. આ જાહેરખબરથી પ્રેરાઈને તેણે પોતાની કેટરિંગની નોકરી છોડી દીધી હતી. પરંતુ, મંગળવારે કંપનીએ તેમને આ વેતન લેવા માટે વધુ ૨ મહિના કામ કરવાનું કહેતા તેના જેવા ચીનના ખુણે ખુણેથી આવેલા કર્મચારીઓએ આંદોલનનો માર્ગ અપનાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, આ ફેકટરી કર્મીઓએ ફેકટરીમાં પ્રવેશ લેતા પહેલા સરકારની કોરોના નીતિને કારણે અનેક ટેસ્ટનો સામનો કરવો પડયો હતો.

ચીની સોશિયલ મીડિયામાં ફોક્સકોનના કર્મચારીઓ જોડે પોલીસ દ્વારા કરવામાં આવેલી મારઝુડના વીડિયો વાયરલ થયા છે. આ વીડિયોમાં લોહીથી લથપથ લોકોને જોઈ શકાય છે.કેટલાક કર્મચારીઓએ પોલીસનો સામનો કરવામાં અગ્નિશામકનો પણ સહારો લીધો હતો. આ મહિનાની શરૂઆતમાં ફોક્સકોનના પ્લાન્ટ પર કોરોનાના કડક નિયમો લાગુ કરવામાં આવ્યા હતાં અને ફેકટરીના કેટલાક વિસ્તારને સંપૂર્ણ રીતે સીલ કરી દેવામાં આવ્યા હતાં. ઉલ્લેખનીય છે કે, ચીનમાં મંગળવારે ૨૯,૦૦૦ થી વધુ કોરોનાના કેસ સામે આવ્યા હતાં.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
39,994FollowersFollow
1,310SubscribersSubscribe

TRENDING NOW