મોરબી જિલ્લામાં ઉમેદવાર પોતાને આટલા મત મળશે અને આટલી લીડ થી જીતીશું તેવા મસમોટા દાવાઓ કરી રહ્યા છે. જો કે તેઓના દાવા કેટલા સાચા અને કેટલા ખોટા આગામી 1 ડિસેમ્બરના રોજ યોજાનાર મતદાન અને 8 ડિસેમ્બરના રોજ જાહેર થનાર મત ગણતરીના દિવસોમાં ખ્યાલ આવશે. જો કે મોરબી બેઠકમાં ભૂતકાળમાં વિધાનસભાની ચૂંટણી એવી પણ સામે આવી છે જેમાં ઉમેદવાર.2-5 હજાર નહીં પણ 22,521 મતની લીડ મળી ચૂકી છે.
તો એવા ઉમેદવાર પણ ધારાસભ્ય બન્યા છે જેમને માત્ર 326 જેટલા મતની જ પાતળી સરસાઈ મળી હતી. 2007ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર કાંતિલાલ અમૃતીયા અને કોંગ્રેસના જયંતિભાઈ જેરાજ પટેલ વચ્ચે સીધી ટક્કર થઈ હતી જેમાં કોંગ્રેસ ઉમેદવાર જયંતિભાઈ પટેલને 52,853 મત મળ્યા હતા તો કાંતિલાલ અમૃતિયા ને 75,313 મત મળ્યા હતા. આમ કાંતિલાલને 22,521 મતની જંગી સરસાઇ મળી હતી અને આ લીડ મોરબી માળીયા વિધાનસભા બેઠક પરની સૌથી મોટી લીડ સાથે ધારાસભ્ય બનવાનો રેકોર્ડ છે.
તો સૌથી ઓછા મતની લીડ કોંગ્રેસના મગનલાલ ટી સોમૈયા ના નામે છે. 1972માં મગનલાલ ટી સોમૈયા 14,443ને મત મળ્યા હતા તો એનસીઓના ઉમેદવાર ગોકળદાસ પરમારને 14,૧૧૭મત મળ્યા હતા. આમ મગનલાલ સોમૈયા 326 મતની પાતળી લીડથી વિજેતા જાહેર થયા હતા.

