ભારતના ટોચના ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ (RIL)ના ચેરમેન મુકેશ અંબાણી ભારતમાં મોટા ભાગના બિઝનેસમાં છવાઈ ગયા છે. હવે તેમણે ગ્લોબલ બજાર પર નજર કરી છે. આ માટે તેઓ સિંગાપોરમાં એક ફેમિલી ઓફિસ શરૂ કરવા જઈ રહ્યા છે. એશિયામાં બીજા ક્રમના સૌથી ધનિક ગણાતા મુકેશ અંબાણીએ ફેમિલી ઓફિસ માટેની જગ્યા નક્કી કરી લીધી છે અને મેનેજર પણ નિયુક્ત કરી દીધા છે. આ ઓફિસ માટે સ્ટાફની ભરતી શરૂ થઈ ગઈ છે.
રિટેલથી લઈને ટેલિકોમ અને રિફાઈનરી સુધીના બિઝનેસ સાથે સંકળાયેલા મુકેશ અંબાણી હવે ભારત બહાર એસેટ્સ ખરીદવા વિચારે છે. 2021માં તેમણે Aramcoના ચેરમેનને રિલાયન્સના બોર્ડમાં સમાવ્યા હતા ત્યારે જ તેમણે કહ્યું હતું કે રિલાયન્સ જૂથના ઈન્ટરનેશનલાઈઝેશનની શરૂઆત થઈ ગઈ છે. તે સમયે તેમણે કોઈ ફોડ પાડ્યો ન હતો.
પરંતુ એટલું જ કહ્યું હતું કે, “આપણી ઈન્ટરનેશનલ યોજનાઓ અમલમાં મુકવાનો સમય આવી ગયો છે.” એપ્રિલ 2021માં તેમણે 79 મિલિયન ડોલરમાં લંડનમાં સ્ટોક પાર્કની મહેલ જેવી ઈમારત ખરીદી હતી જ્યાં જેમ્સ બોન્ડની ફિલ્મો શૂટ થઈ છે. દુનિયાભરના ધનિક લોકો આગળ જતા સિંગાપોરમાં પણ પોતાની ફેમિલી ઓફિસ શરૂ કરે છે. તેનું કારણ છે કે સિંગાપોર વધારે સુરક્ષિત લાગે છે અને ત્યાં ટેક્સના દર નીચા છે. મોનેટરી ઓથોરિટી ઓફ સિંગાપોર પ્રમાણે 2021માં લગભગ 700 ફેમિલી ઓફિસ હતી જ્યારે અગાઉ આ આંકડો માત્ર 400નો હતો. સિંગાપોર વિશ્વમાં સૌથી સ્વચ્છ, સૌથી સારી હેલ્થ સુવિધા ધરાવતા અને મોંઘા દેશમાં સ્થાન પામે છે.