સુરતના કામરેજ પોલીસે ડુંગર ખોદ્યો અને નીકળ્યો ઉંદર જેવા ઘાટ સર્જાયા છે. ભારતીય ચલણની નકલી નોટ ઘુસાડાઈ રહી હોવાની બાતમીના આધારે નોટો તો ઝડપી પાડી, પરંતુ આ નોટ સિનેમાના ઉપયોગમાં લેવામાં આવતી નોટ નીકળતા પોલીસે અન્ય દિશામાં તપાસ શરૂ કરી છે. ગણતરી કરીયે તો 25 કરોડથી વધુની કિંમત થાય છે.
ગુરુવારે કામરેજ પોલીસને બાતમી મળતા નેશનલ હાઇવે 48 પર નવી પારડી ગામ પાસેથી એક એમ્બ્યુલન્સ ઝડપી પાડી હતી. દીકરી એજ્યુકેશન અને ચેરીટેબલ ટ્રસ્ટની એમ્બ્યુલન્સમાં તપાસ કરતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. એમ્બ્યુલન્સમાં લોખંડની પેટીમાં અધધ 2000 ના દરની ચલણી નોટો ભરેલી હતી. પોલીસે ગણતરી કરતા કુલ 1290 જેટલા બંડલ થતા હતા. જેની કુલ કિંમત 25.80 કરોડ થાય છે.
સુરત ગ્રામ્યના પોલીસ વડા હિતેશ જોઇસરે કહ્યું કે, પોલીસે એમ્બ્યુલન્સના ડ્રાઈવર જામનગરના હિતેશ કોટડીયાની પૂછપરછ કરતા અને ચલણી નોટ ચેક કરતા આ નોટ સિનેમાના ઉપયોગમાં લેવા માટે માત્ર નોટપર લખાણ મળી આવ્યું હતું. ઉપરાંત રિઝર્વ બેંકના સ્થાને રિવર્સ બેંક લખાણ પણ મળી આવ્યું હતું. જોકે પોલીસે ઝડપી પાડેલી શંકાસ્પદ નકલી નોટ અને શંકાસ્પદ ઈસમ હિતેશ કોટડીયાની પૂછપરછ કરી રહી છે.