રવિવારે સૌરાષ્ટ્રના સૌથી મોટા રાજકોટ લોકમેળામાં લોકોની ભીડ જોવા મળી હતી. રવિવારની રજા હોવાના કારણે લોકમેળાના પાંચમા દિવસે સવારે 12.30 વાગ્યા સુધી 3 લાખથી વધુ લોકો ઉમટ્યા હતા. લોકોએ મેળાની મજા દિલ ખોલીને માણી છે.
મનોરંજન સાથે માહિતી: લોકમેળામાં મનોરંજન સાથે માહિતી આપતા વિશિષ્ટ ડોમની લાખો લોકો એ મુલાકાત લીધી છે. જેમાં રાજ્યની 20 વર્ષની વિકાસયાત્રા, ગુજરાતનું વિશ્વ પ્રસિદ્ધ પ્રવાસન સ્થળ સ્ટેચ્યૂ ઓફ યુનિટી, સરદાર સરોવર ડેમની પ્રતિકૃતિ બનાવાયેલી છે. જેના ફોટો અને સેલ્ફી લેવા પણ ધસારો જોવા મળ્યો છે. આ ઉપરાંત અહીં નડા બેટની ઈન્ડો-પાક બોર્ડરની પ્રતિકૃતિ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. જ્યાં પણ લોકો ગૌરવભેર સેલ્ફી તેમજ ફોટો પડાવીને યાદી બનાવી રહ્યા હતા.
3 લાખ લોકો આવ્યા: લોકમેળામાં ગઇકાલે રવિવારના રોજ માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું બપોરના 12 વાગ્યા બાદ ધીમે ધીમે મેળામાં લોકોની ભીડ થવા લાગી હતી અને રાત્રીના 12.30 વાગ્યા સુધીમાં આ લોકમેળો લોકોથી છલકાઇ ગયો હતો જેમાં જ્યાં નજર કરો ત્યાં મેળાની મજા માણતા માણસો જ માણસો જોવા મળતા હતા. રવિવારે મેળામાં 3 લાખ થી વધુ લોકોએ દિવસ દરમિયાન મેળાની મજા માણી હતી.

