ચોમાસામાં અમદાવાદ શહેરમાં રોડની હાલત ખૂબ જ ખખડી ગઈ છે. મોટા ભાગના રસ્તાઓ અને રોડ ધોવાઇ ગયા છે. સરદાર પટેલ રિંગ રોડ અનેક જગ્યાએ રોડ ધોવાઇ ગયો છે. જેના કારણે વાહનચાલકો પરેશાન થઈ રહ્યા છે. સ્માર્ટસિટીની સાન સમાન રિંગ રોડની હાલત પણ અતિબિસ્માર થઈ ચૂકી છે. રિંગ રોડ પરથી ભારે વાહનો પસાર થાય છે અને તેઓ ટેક્સ ચૂકવે છે છતાં પણ તેમને આવા ખાડા અને તૂટેલા રોડ પરથી વાહન ચલાવવું પડે છે. જોકે આમ છતાં ખાડાને કારણે અકસ્માત થવાની સંભાવનાઓ છે.
લોલમલોલ: રિંગ રોડ પર જ રણાસણ ફાટકથી નાના ચિલોડા તરફ આવતો રોડ છે, જ્યાં બ્રિજની કામગીરી ચાલે છે, તેની સાઈડનો રોડ ખૂબ જ ખાડા-ટેકરાવાળો અને તૂટેલો છે. ઓઢવથી વસ્ત્રાલ સુધીનો રોડ પર પણ ખાડાઓ પડ્યા છે. પશ્ચિમ વિસ્તારમાં સાઉથ બોપલ જવાના રોડ પર સનાથલ-શાંતિપુરા સર્કલ પાસે પણ ખાડા પડી ગયા છે. રિંગ રોડ પર મોટા ભાગનો રોડ ધોવાઈ ગયો છે અને ખાડા છે, જેને કારણે વાહનચાલકોએ ધીમેથી અને સાવચેતીપૂર્વક વાહન ચલાવવું પડે છે. રોજના હજારો વાહનો ત્યાંથી પસાર થાય છે. આમ છતાં પણ ઔડા દ્વારા આ તમામ જગ્યાએ રિપેરિંગની કામગીરી કરવામાં આવી નથી.

