ગૌવશમાં તીવ્ર ઝડપે ફેલાય રહેલા લમ્પી વાયરસ સામે અબોલ પશુઓને રક્ષણ આપવા હરિદાસ જીવણદાસ લાલ (બાબુભાઈ લાલ) ચેરીટેબલ ટ્રસ્ટ તથા કેદાર લાલ (કેદાર જીતેન્દ્ર લાલ) ફાઉન્ડેશનના ઉપક્રમે શહેરમાં મોબાઈલ એનીમલ ડીસ્પેન્સરીનો પ્રારંભ કરાયો છે. જેમાં અનેક ચેપી પશુઓને સારવાર આપવામાં આવી રહી છે.
લડવા બનાવાયા: ગૌવંશને લપેટમાં લઈ રહેલા આ વાયરસ સામે પશુઓને સુરક્ષા કવચ મળી રહે તેવા ઉદેશ સાથે લાલ પરિવારના આ બન્ને ટ્રસ્ટો દ્રારા ઔષધયુકત લાડવા બનાવીને ગૌવંશને ખોરાક તરીકે આપવામાં આવે છે સાથે જ વાયરસ નાશ પામે તે માટે ફટકડીવાળા ઔષધી સાથેના પાણીથી ગૌવશને સ્નાન કરાવવું, સ્પ્રે રૂપે છાંટવાની પ્રવૃતિ પણ હાથ ધરવામાં આવી છે, સાથે ગૌવંશને સાકરનું પાણી પણ પીવડાવવામાં આવી રહયું છે.
શું કહે છે ટ્રસ્ટી: સંસ્થાના ટ્રસ્ટી જીતુભાઈ લાલે જણાવ્યું હતું કે, શહેરમાં ગૌવંશને લમ્પી રોગથી બચાવવા માટે શરૂ કરાયેલા આ અભિયાનમાં બે વેટરનરી ડોકટરો સાથેની મોબાઈલ એનીમલ એમ્બ્યુલન્સ જેવું ખાસ વાન શહેરના જુદા-જુદા વિસ્તારોમાં લમ્પી વાયરસ સાથે ગૌવશને ઉગારવા માટે સવારે 10 થી સાંજે 6 સુધી કાર્યરત કરવામાં આવ્યું છે અને જરૂર પડયે આ વાનની સેવાનો સમય વધારવા માટે પણ પ્રયાસરત રહીશું.

