ગુજરાત વિધાનસભા-૨૦૨૨ની ચૂંટણી જાહેર થવાની બાકી છે અને અન્ય પક્ષો દ્વારા હજુ સેન્સ પ્રક્રિયાનો પણ પ્રારંભ નથી થયો. ત્યારે આમ આદમી પાર્ટીએ આંતરિક સર્વેક્ષણના આધારે ગુજરાતની 182 પૈકી 10 સીટો માટે ઉમેદવારોની યાદી જાહેર કરી છે. જેમાં તીવ્ર રસાકસીવાળી રાજકોટ શહેરની ૪ પૈકી રાજકોટ (અનામત)માં વશરામ સાગઠીયા અને રાજકોટ (દક્ષિણ)માં શિવલાલ બારસિયાને ટિકીટ અપાઈ છે.
શું કહે છે ઉમેદવારો: ઉમેદવારોએ જણાવ્યું કે આવતીકાલથી જ અમે અમારા મતક્ષેત્રમાં પ્રચાર કાર્ય શરુ કરી દેશું. રાજકોટ પશ્ચિમ બેઠક પર ભાજપના પૂર્વ મુખ્યમંત્રી અને ઈસ્ટ બેઠક પર હાલના મંત્રી ચૂંટાયેલા છે. જેમાં પશ્ચિમ બેઠક માટે અગાઉ વિજય રૂપાણી સામે ચૂંટણી લડનાર ઈન્દ્રનીલ રાજ્યગુરુનું નામ નક્કી મનાય છે પરંતુ, હજુ સુધી તેઓ ચૂંટણી લડવી કે અન્યોને લડવામાં મદદરૂપ થવું તે નિર્ણય લીધો નથી.

આ નામ નક્કી: આ ઉપરાંત સોમનાથમાં જગમાલ વાળાએ ગઈકાલે જ વેરાવળમાં યોજાયેલ પાર્ટીની સભાને સફળ બનાવી હતી અને તેઓ આજે ઉમેદવાર તરીકે જાહેર થયા છે. જ્યારે ભાવનગર જિ.ના ગારિયાધરની બેઠક પર સુધીર વાઘાણીને ટિકીટ અપાઈ છે.
અન્ય ૬ બેઠકોમાં (૧) દેઉદર ઉપર ભેમા ચૌધરીને (૨) છોટા ઉદેપુરમાં અર્જૂન રાઠવાને (૩) બેચરાજી બેઠક પર સાગર રબારીને (૪) કામરેજ બેઠક પર રામ ધડુકને (૫) બારડોલી બેઠક પર રાજેન્દ્ર સોલંકીને અને (૬) નરોડા બેઠક પર ઓમપ્રકાશ તિવારીને આમ આદમી પાર્ટીની ટિકીટ અપાઈ છે.


