રાજકોટ જિલ્લામાં જિલ્લા પંચાયત હસ્તકની 1360 આંગણવાડીઓ આવેલી છે કેટલીક આંગણવાડીઓ ભાડાનાં મકાનમાં ચાલી રહી છે અને કેટલીક આંગણવાડીઓ ગામની બારોબાર આવેલી હોય છે અને તેનાં મકાનો જર્જરીત થઈ ગયા હોય છે. આવી સરકારી મિલકતો અસમાજિક તત્વોનો અડ્ડો બની ગઈ હોવાની ફરિયાદો ઉઠી રહી છે. ઉપલેટા – ધોરાજી પંથકનાં કેટલીક આંગણવાડીઓનો વિડીયો વાયરલ થયા હતા જો કે જિલ્લા પંચાયતની મહિલા અને બાળવિકાસ સમિતિનાં સતાધિશોએ તેમની પાસે હજુ આવી કોઈ ફરિયાદો આવી ન હોવાનું જણાંવ્યુ હતુ.
જિલ્લા પંચાયતનાં વિપક્ષી સભ્યોએ જણાંવ્યુ હતું કે ગામડાઓમાં બહારનાં ભાગે પશુ દવાખાના, આંગણવાડી અને આરોગ્ય કેન્દ્રો આવેલા હોય છે તે રાતે અસમાજિક તત્વોનાં અડ્ડા બની ગયા છે અને આવા અવાવરૂ સ્થળોએ દારૂ વેચાતો હોવાની પણ કેટલાક ગામોમાંથી ફરિયાદો ઉઠી રહી છે.
લઠ્ઠાકાંડ સર્જાય અને કોઈની જિંદગી ભરખાઈ જાય તે પહેલા સતાધિશો આવા સરકારી કેન્દ્રોની હાલત અંગે ટીમ મોકલી તપાસ કરે તેવી માગણી ઉઠી છે. કેટલાક ગામોમાં સરકારી ગેસ્ટ હાઉસો પણ જર્જરીત થઈ ગયા છે ત્યાં કોઈ મહેમાનો ઉતરી શકે તેવી હાલત નથી આવી મિલકતો પણ આવારા તત્વોનાં અડ્ડા બની ગઈ છે.

