ગુજરાતમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે જેના પગલે સત્તા પક્ષ ભાજપ સહિત કોંગ્રેસે ચૂંટણી જીતવા અત્યારથી જ એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. એટલું જ કોંગ્રેસ હાઈકમાન્ડે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતને ફરી ગુજરાતનું સુકાન સોંપાયુ છે. જ્યારે અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીના સુપરવાઈઝર તરીકે મિલિન્દ દેવડાની નિયુક્તી કરવામાં આવી છે.

કોંગ્રેસના નેતા મિલિન્દ દેવડાએ કહ્યું કે, ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીમાં વિજય મેળવવો મુશ્કેલ છે પરંતુ નામુનકિન નથી એટલું જ ગત ચૂંટણીમાં કોંગ્રેસ જીતની નજીક આવી ગઈ હતી. તેમજ જણાવ્યું કે, હું રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત સાથે મળીને કામ કરીશ જેથી પાયાના સ્તરે એકતા રહે અને અગાઉની ચૂંટણીઓમાં કરેલી ભૂલોનું પુનરાવર્તન ન થાય તે સુનિશ્ચિત કરવા માટે યોગ્ય વ્યૂહરચના ઘડવામાં મદદ કરીશ. ભૂતપૂર્વ સાંસદે કહ્યું કે પાર્ટીએ તેમને ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે નિરીક્ષકની ભૂમિકા આપીને તેમના પર વિશ્વાસ દર્શાવ્યો છે.

કોંગ્રેસ નેતા મિલિન્દને ભૂતકાળની ચૂંટણી અંગે સવાલ પૂછતા કહ્યું કે, ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનાવી મુશ્કેલ છે પરંતુ ભૂતકાળના પ્રદર્શનના આધારે ચૂંટણી પરિણામોની આગાહી કરવી યોગ્ય નથી. રાજ્યમાં ભાજપ 1998થી સત્તામાં છે. નોંધનીયછે કે, 2017માં કોંગ્રેસે 77 બેઠકો જીતી હતી જ્યારે ભાજપે 99 બેઠકો જીતી હતી.


