હળવદ તાલુકાના માથક ગામ પાસે બનતા નાલાએ અગાઉ પણ પાણી ભરાઇ જવાના કારણે વાહન ચાલકોને મુશ્કેલીઓ નડી હતી. અને વાહનચાલકોને 15થી 20 કિલોમીટરનો ધરમનો ધક્કો ખાવો પડે તેવો ઘાટ સર્જાયો હતો. પરંતુ અગાઉના વરસાદમાંથી પણ કોઇ સબક નહીં લેતા ફરી એકવાર વરસાદ થતા સ્થિતિ બદતર થઇ છે. જેમાં માથક ગામ પાસે બનતા નાલામાં હાલ ત્રણ દિવસમાં ચાર વાહનો ફસાઇ જતા વાહનચાલકો પરેશાની ભોગવી રહ્યાં છે, ત્યારે સ્થાનિક લોકોએ યોગ્ય સમારકામ કરવા માંગ કરી છે.
મળતી માહિતી અનુસાર માથક ગામ પાસે રાતાભેર અને શિવપુર, ડુંગરપુરને જોડતું એક નાલુ બની રહ્યું છે. અને જેના કારણે અગાઉ પણ પાણી ભરાઇ જવાથી વાહનચાલકોને મુશ્કેલી નડી હતી. ત્યારે ફરી એકવાર આ નાલુ બની ગયા બાદ નાલાની બન્ને બાજુ યોગ્ય પેચિંગ કરવાનું બાકી હોય જેથી વાહનો ફસાઇ જવાની ઘટના સામે આવી છે. જેમાં ડુંગરપુરના મેહુલભાઇ જોગરાણાએ જણાવ્યું હતું કે, આ માથક પાસે વાહન ફસાઇ જવાથી અમારે ડુંગરપુર જવા માટે માંડલ થઇને વધારે 25 કિમી ફરવા જવું પડે છે. તો વધારેમાં જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ દિવસમાં ચારેક વાહનો ફસાયા હોવાની ઘટના સામે આવી છે. જેથી કરીને તંત્ર દ્વારા વહેલી તકે યોગ્ય સમારકામ કરવામાં આવે તેવી અમારી માંગ છે.

