રાજકોટ શહેરના યુનિવર્સિટી પોલીસ મથકમાં નકલી નોટ સાથે આત્મીય કોલેજ અને ગારડી કોલેજના બે વિદ્યાર્થીઓની ધરપકડ કરી છે. હજુ આ બનાવ તાજો છે ત્યાં પોલીસે ભંગાર ચોરીમાં શહેરની જાણીતી અને પ્રતિષ્ઠિત અંગ્રેજી માધ્યમની શાળાના ત્રણ સગીર વયના વિદ્યાર્થીઓને પકડી પાડયા છે.
બર્થ ડે માટે ચોરી: આ પકડાયેલા આ 3 વિદ્યાર્થીઓ મિત્રની બર્થ ડે પાર્ટી ક્લબમાં મનાવવા માગતા હતા. આ માટે પૈસા ભેગા કરવા તેઓ ભંગાર ચોરીની લાઈનમાં ઘૂસ્યા હતા. અગાઉ ચોરીમાં સફળ થયા બાદ ફરી ચોરી કરવા જતાં પોલીસે પકડી લીધા છે. હવે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આવું બન્યું: રાજકોટના રૈયા રોડ પર તુલસી સુપરમાર્કેટ સામે એક બાંધકામ સાઇટ પરથી સામાન ચોરી થયાની ઘટના બની હતી. આ કેસની તપાસમાં પોલીસે અલગ અલગ CCTV ફૂટેજના આધારે શોધખોળ કરી હતી. અંતે ચોરી કરનારને પકડી પાડવામાં પોલીસને સફળતા મળી છે. આ ચોરી કોઈ રીઢા ગુનેગાર નહિ પરંતુ અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરતા સગીર વયના વિદ્યાર્થીઓ છે.
ભંગાર ચોરી લીધો: મિત્રનો જન્મદિવસ રાજકોટના કાલાવડ રોડ પર આવેલ મોંઘેરા ક્લ્બમાં ઉજવવા માટે પરિવાર પાસેથી પૈસા લઇ શકે તેમ ન હોવાથી ચોરીનો પ્લાન બનાવી અંદાજિત 150 કિલો જેટલા ભંગારની ચોરી કરી હતી.

