રાજકોટમાં બપોર બાદ વાતાવરણમાં પલ્ટો આવતા કાળા ડિબાંગ વાદળો સાથે આકાશ ઘેરાયું હતું. રાજકોટમાં વીજળીના કડાકા ભડાકા સામે પોણા ત્રણ ઈંચ વરસાદ વરસ્યો હતો. શહેરના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયાની ઘટના સામે આવી હતી.

મવડીમાં ગોઠણસમા પાણી: ધોધમાર વરસાદથી કોર્પોરેશનની પ્રિ-મોન્સૂનની કામગીરીની પોલ ખુલી ગઈ છે. શહેરના મવડી વિસ્તારમાં ગોઠણસમા પાણી ભરાયા હતા તો અમુક સોસાયટીમાં ઘરમાં પાણી ઘૂસી ગયા છે. આથી લોકો હેરાન-પરેશાન બન્યા હતા. બીજી તરફ સાધુ વાસવાણી રોડ પર દોઢ-દોઢ ફૂટ પાણી ભરાતા વાહનચાલકો પરેશાન બન્યા હતા. વાહનો બંધ પડતા લોકોએ દોરીને વાહન લઇ જવાની ફજર પડી હતી. આ ઉપરાંત રૈયા રોડ, ધરમનગર વિસ્તારમાં પણ રસ્તા પર દોઢ-દોઢ ફૂટ પાણી ભરાયા હતા.

ટ્રાફિક જામ: 150 ફૂટ રિંગ રોડ પર મવડી ચોક ઓવરબ્રિજ નજીક પાણી ભરાયા છે. આથી ટ્રાફિકજામના દૃશ્યો સામે આવ્યા છે. વાહનચાલકો પરેશાન બન્યા છે. તેમજ બાળકો વરસાદી પાણીમાં ન્હાવાની મજા માણતા નજરે પડ્યા હતા.

