સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, ગોંડલના વાસાવડ, દેવળીયા, દડવા સહિતના ગામોમાં વરસાદ વરસી પડયો છે. ભારે બફારાના વાતાવરણ વચ્ચે વરસાદ પડતાં ઠંડક પ્રસરી જવા પામી હતી. વરસાદ પડતાં લોકોએ ગરમીમાંથી રાહત મેળવી છે.
અગિયારસના દિવસે આગમન: ગોંડલમાં વાતાવરણમાં કાળા ડિબાંગ વાદળો સાથે આકાશ ઘેરાયું હતું. વરસાદ પડતાં રસ્તાઓ પાણી પાણી થઈ ગયા હતા. અગિયારસના દિવસે મેઘરાજા એ એન્ટ્રી કરી હતી. ભીમ અગિયારસના દિવસેજ વરસાદ પડતાં ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઇ જવા પામી છે.

હવામાન ઠંડુ: ધોધમાર વરસાદને કારણે ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ પર પાણી વહેતાં થયાં હતાં. લાઠી અને સાવરકુંડલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી,આમ સૌરાષ્ટ્રમાં મેઘરાજાનું આગમન થતા કાળઝાળ ગરમીમાંથી લોકોને મોટી રાહત થઈ છે.

વલસાડમાં વરસાદ: શુક્રવારે મોડી રાત્રે વલસાડમાં વરસાદ શરૂ થયો હતો. વલસાડ તાલુકામાં 14 MM અને કપરાડા તાલુકામાં 2 MM વરસાદ વરસ્યો છે. અડધી રાત્રે શરૂ થયેલા વરસાદને લીધે વીજળી ગુલ થઈ હતી, જેને લઈને શહેરમાં વીજ કંપની દ્વારા કરવામાં આવેલી પ્રીમોન્સૂનની કામગીરીની પોલ ખૂલી ગઈ હતી. શહેરના અનેક વિસ્તારોમાં વીજપ્રવાહ ખોરવાયો હતો.
કેરીના ખેડુત ચિંતામાં: બીજી તરફ, કેરી અને ઉનાળુ પાકનું વાવેતર કરનારા ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો. વલસાડ શહેરના રસ્તા પર વરસાદને કારણે પાણી વહેતું જોવા મળ્યું હતું તેમજ શહેરના અનેક રેલવે ગળનાળામાં પણ પાણી ભરાયાં હતાં, જેથી વાહનચાલકોને મુશ્કેલી પણ પડી હતી.

