મોરબી જિલ્લાના માળિયા તાલુકાના વવાણીયામાં આવેલ રામબાઈની જગ્યામાં આજે માતાજીનો પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ હાજર રહ્યા હતા અને રામબાઈ જગ્યા ખાતે બનેલ રાજ્ય સરકાર તેમજ આહીર સમાજના દાતાઓના સહયોગથી નવ નિર્મિત સભાખંડ,ભોજનાલય,ગૌશાળા સહીત રૂ ૩ કરોડના કામ આ ઉપરાંત ગામમાં નવ નિર્મિત પીએચસી અને કોવિડ વોર્ડ,માળિયા કમ્યુનીટી સેન્ટરમાં ઓક્સીજન પ્લાન્ટ,કોવિડ વોર્ડ તેમજ ટંકારા ખાતે આવેલ કમ્યુનીટી સેન્ટરમાં પણ રૂ. ૩૮.પ૦ લાખના ખર્ચે તૈયાર થયેલ પી.એસ.એ પ્લાન્ટ અને રૂ. પ૬ લાખના ખર્ચે નિર્મિત પ૦ બેડના કોવિડ વોર્ડના ઇ-લોકાર્પણ કર્યા હતા.

આ તકે સીએમ પટેલે જણાવ્યું હતું કે રામબાઈ તેમજ તેમના જેવા સાધુ સંતો સાચા અર્થમાં સેવાના ભેખધારી હતા તેમની પાસે કશી મિલકત કે આવક ન હતી તેમ છતાં તેમણે સેવાની જ્યોત જગાવી હતી અને તે જ્યોત આજે પણ પ્રગટી રહી છે. દરેક સમાજમાં આવા સંત, સેવાવ્રતીઓની પ્રેરણાથી વિકાસ માટે હરહંમેશ પ્રયાસરત રહેતા હોય છે અને સૌરાષ્ટ્ર તો સંતો, શૂરવીરો અને દાતાઓની ભૂમિ છે
રાજ્ય સરકારની કામગીરી વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે સૌ સમાજના વિકાસ માટે શિક્ષણ સ્વાસ્થ અને સુરક્ષા જરૂરી છે અને રાજ્યમાં આ ત્રણેય ખુબ સારી રીતે મળી રહ્યું છે રાજ્ય સરકારની તત્પરતા દર્શાવતાં મુખ્યમંત્રીએ વિકાસના મુખ્ય આધાર શિક્ષણ, સ્વાસ્થ્ય અને સુરક્ષાની મહત્વતા સમજાવી હતી.પીએમ નરેન્દ્રભાઈની કેન્દ્રમાં જ્યાં સુધી સરકાર છે ત્યાં સુધી વિકાસ કામ માટે ક્યારેય ખોટ નહી આવે સરકાર હમેશા સાથે રહેશે.
તેમણે આહીર સમાજના સૌ ઉપસ્થિત પશુપાલકો-આહીર પરિવારોને સંબોધતા એમ પણ ઉમેર્યુ કે, રાજ્ય સરકારે આ વર્ષે પ૦૦ કરોડ રૂપિયાની જોગવાઇ સાથે મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના જાહેર કરી છે. આના પરિણામે ગૌ શાળાઓની ગૌ માતા સુરક્ષિત રહેશે, સાથોસાથ પ્રાકૃતિક ખેતી-ગાય આધારિત ખેતી એટલે કે રસાયણમુકત ખેતી તરફ વળવાનું વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આપેલું આહવાન પણ ગુજરાતમાં સાકાર થઇ શકશે.
મુખ્યમંત્રીએ રાજ્ય સરકારે ગાય આધારિત ખેતી માટે એક દેશી ગાય દીઠ માસિક રૂ. ૯૦૦ નિભાવણી ખર્ચ સરકાર આપે છે તેમજ પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા પ્રાકૃતિક ખેતી બોર્ડની પણ રચના કરી છે તેની વિસ્તૃત ભૂમિકા આપી હતી.
મુખ્યમંત્રીશ્રીએ રસાયણયુકત ખેતીથી મુક્તિ મેળવીને સ્વસ્થ માનવજીવન, આવનારી પેઢીની તંદુરસ્તી અને જમીનના સ્વાસ્થ્યની પણ સુધારણા માટે પ્રાકૃતિક ખેતી તરફ વળવા સૌને અનુરોધ કર્યો હતો.

