નેશનલ ફેમિલી સર્વે 5ના પરિણામમાં દાવો કરવામાં આવ્યો છે કે, ગુજરાતની મહિલાઓ પતિની સમકક્ષ અથવા તેમનાથી વધુ કમાય છે. દેશના અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાતની મહિલાઓએ જણાવ્યું છે કે, તેમનો પગાર પતિ કરતાં વધારે અથવા તેમની સમકક્ષ છે. સર્વેમાં ભાગ લેનારી 53.2 ટકા ગુજરાતી મહિલાઓનું કહેવું છે કે, તેઓ પગારમાં અસાનતાનો સામનો નથી કરતાં.
જ્યારે આ મુદ્દે દેશની સરેરાશ 39.9 ટકા છે. 2015-16માં થયેલા નેશનલ ફેમિલી હેલ્થ સર્વે -4ની સાપેક્ષમાં 5માં આ આંકડામાં મહત્વપૂર્ણ વધારો નોંધાયો છે. 4માં 43.5 ટકા મહિલાઓએ પગાર સમકક્ષ અથવા વધુ હોવાની વાત કરી હતી. સહજ NGOના ડાયરેક્ટર રેણુકા ખન્નાએ કહ્યું, “શિક્ષણમા વધારો અને આ અંગેની જાગૃતિ આવતાં મહિલાઓ ચોક્કસથી પોતાનો હક માગતા શીખી છે પરંતુ ગુજરાતના ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં પરિસ્થિતિ અલગ-અલગ છે. કોરોનાકાળ પછી ઘરમાં નોકરી છોડનાર વ્યક્તિ અથવા અગાઉના ધોરણ મુજબ પગાર ના મેળવનારામાં મહિલાઓ પ્રથમ ક્રમે છે. પીરિયોડિક લેબર ફોર્સ સર્વે સહિતની કેટલીય માહિતી જે દર્શાવે છે કે, ગુજરાતમાં પુરુષ અને સ્ત્રી વચ્ચે વેતનની અસમાનતા છે.”

રાજ્યમાં મહિલાઓ માટે કામ કરતાં NGOઓ આ પરિણામને સંપૂર્ણપણે સાચા માનવા તૈયાર નથી. આનંદી NGOના કો-ફાઉન્ડર નીતા હાર્દિકર (Neeta Hardikar)નું કહેવું છે કે, મનરેગા જેવી યોજનાઓ અગાઉ જે જિલ્લાઓમાં નહોતી ત્યાં પણ શરૂ થઈ છે અને તેમાં સૌને સમાન વેતન આપવામાં આવે છે. પરિણામે રોજગારમાં વૃદ્ધિ નોંધાઈ છે. “છેલ્લા કેટલાય વર્ષોમાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં વસ્તી મહિલાઓમાં શિક્ષણનું પ્રમાણ ઊંચું આવ્યું છે પરંતુ તેની સામે પૂરતી રોજગારીનું સર્જન નથી થયું. 81.2 ટકા મહિલાઓએ પતિનો પગાર કઈ રીતે વપરાય છે તેની માહિતી આપી હતી. ગત સર્વેની સરખામણીમાં આ વખતના સર્વેમાં આ આંકડામાં પણ અનુક્રમે 79.3 ટકા અને 63.2 ટકાનો ઉમેરો દેખાયો.

