રાજકોટમાં ધો. 11ની છાત્રાને લગ્નની લાલચ આપીને દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનું પોલીસ ચોપડે નોંધાયું છે. આ અંગે પીડિતાને પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગણતરીની કલાકોમાં જ આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વિદ્યાર્થિનીના પિતાએ ફરિયાદમાં કહ્યું છે કે હું કારખાનામાં કામ કરું છું. મારે ત્રણ સંતાન છે, જેમાં મોટી 16 વર્ષ 3 માસની દીકરી ધોરણ 11માં અભ્યાસ કરે છે. 27 એપ્રિલને બુધવારે મારે રજા હોવાથી હું ઘરે હતો. દીકરી બપોરે પોણાબારેક વાગ્યે તેનો સ્કૂલ-ડ્રેસ પહેરીને ઘરેથી નીકળી હતી. સાંજના સાડાપાંચ સુધી ન આવતાં અમે સ્કૂલે જઇ તપાસ કરતાં વોચમેને સ્કૂલ તો છૂટી ગઇ છે એમ કહેતાં અમે ઘરે આવ્યા હતા. એ પછી દોઢબે કલાક વીતી જવા છતાં દીકરી ન આવતાં તેની બહેનપણીઓનો સંપર્ક કરી પૂછપરછ કરી હતી. મારી દીકરીની એક બહેનપણીએ કહ્યું હતું કે સ્કૂલમાં આજે રજા હતી, તમારી દીકરી સ્કૂલે ગઇ જ નથી. આ પછી અમે અમારી રીતે શોધખોળ શરૂ કરતાં સાડાઆઠેક વાગ્યે દીકરી ઘરે આવી હતી. અમે તેને ક્યાં હતી? એ અંગે પૂછતાં તેણે બહેનપણીના ઘરે હોવાનું કહ્યું હતું. તે દરરોજ સાઇકલ લઇને સ્કૂલે જતી હોવાથી સાઇકલ બાબતે મેં પૂછતાં કહ્યું કે સાઇકલ ધારેશ્વર મંદિર પાસે રાખી દીધી હતી, પણ અમે ત્યાં જતાં સાઇકલ મળી નહોતી.

એ પછી અમે ગઇકાલે ફરીથી દીકરીના પરિવારના સભ્યોએ સાથે મળી પૂછપરછ કરતાં તેણે કહ્યું હતું કે ગત નવરાત્રિમાં ગરબી રમવા ગઈ હતી ત્યારે જામનગર રોડ પર રહેતા વિશાલ પરમાર સાથે પરિચય થયો હતો. બંનેએ એકબીજાના મોબાઇલ નંબરની આપ-લે કરી હતી. એ પછી ગયા ડિસેમ્બરમાં ધારેશ્વર મંદિરવાળી ગલીમાં મળ્યાં હતાં. ત્યાર બાદ બે મહિના પહેલાં ચોટીલા ફરવા ગયાં હતાં. આ રીતે અવારનવાર રાજકોટમાં મળતાં હતાં. ગત બુધવારે વિશાલનો ફોન આવતાં પોતે સ્કૂલ-ડ્રેસ પહેરીને ધારેશ્વર મંદિર પાસે ગઇ હતી. સાઇકલ ત્યાં જ રાખી વિશાલની બાઇક પર બેસી ગઇ હતી. વિશાલ મને તેના જામનગર રોડ પર રહેતા ફ્રેન્ડ હુસૈનના ઘરે લઇ ગયો હતો. ત્યાં કોઇ ન હોવાથી વિશાલે આપણે લગ્ન કરવા જ છે, તું ચિંતા ન કર એમ કહી મને નિર્વસ્ત્ર કરી બે વખત શરીરસંબંધ બાંધ્યો હતો. સાંજે હુસૈનના ઘરેથી મને ધારેશ્વર મંદિર પાસે મૂકી ગયો હતો. ત્યારે અહીં સાઇકલ પણ ન હોવાથી વિશાલ મને ઘર નજીક ઉતારી જતો રહ્યો હતો, એમ વિદ્યાર્થિનીએ જણાવ્યું હતું.

