ડીસામાં દોઢ વર્ષ પહેલા મૂકબધિક કિશોરી ઉપર દુષ્કર્મ ગુજારી હત્યા કરનાર આરોપીને એડિશનલ સેશન્સ કોર્ટે ફાંસીની સજા આપી છે. ડીસા કોર્ટના ઈતિહાસમાં પ્રથમ વખત કોઈ આરોપીને ફાંસીની સજા અપાઈ છે. તો આ સજાની સાથે જ મૂકબધિર કિશોરીના પરિવારજનો ભાવુક થયા હતાં અને ન્યાય મળ્યાનો સંતોષ વ્યક્ત કર્યો હતો.

આ કેસની વિગત પ્રમાણે ડીસામાં 11 વર્ષીય મૂકબધિર કિશોરીનું શખસે 16-10-2020ના રોજ અપહરણ કર્યું હતું. તેનું અપહરણ થયા બાદ પરિવારજનોએ આખી રાત શોધખોળ કરી હતી, પરંતુ ક્યાંય પત્તો ન લાગતાં આ અંગે પોલીસને જાણ કરી હતી. પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરતાં એક શખસ કિશોરીને લઇ જતો જોવા મળ્યો હતો. પોલીસે સીસીટીવીના આધારે તપાસ કરતાં ડીસાથી દૂર દાંતીવાડા તાલુકામાંથી કિશોરીની હત્યા કરેલી હાલતમાં લાશ મળી હતી. એમાં કિશોરીનું માથું ધડથી અલગ હતું. આ કેસમાં પોલીસે ગણતરીના કલાકોમાં નીતિન માળી નામના આરોપીની ધરપકડ કરી હતી.

નીતિન માળીની ધરપકડ બાદ 16 માસ સુધી ડીસાની બીજી એડિશનલ સેશન્સ કોર્ટમાં આ કેસ ચાલી રહ્યો હતો અને તેમાં 58 સાક્ષી જુબાની અને 50 જેટલી તારીખો પડ્યા બાદ આજે 51મી તારીખના ડીસાની બીજી એડિશનલ સેશન્સ કોર્ટના જજ બી.જી. દવેએ આરોપી નીતિન માળીને આ ઘટનામાં કસૂરવાર ઠેરવીને એક મૂકબધિર બધીર કિશોરીનું અપહરણ કર્યા બાદ તેની સાથે દુષ્કર્મ આચરી નિર્દયતાપૂર્વક હત્યા કરવા બદલ ફાંસીની સજા ફટકારી છે. ડીસામાં દુષ્કર્મની ઘટનામાં ફાંસીની સજા ફટકારવામાં આવી હોવાની આ પ્રથમ ઘટના છે.

મૂકબધિર કિશોરીનાં પરિવારજનોએ ન્યાયની માગ કરી રહ્યા હતા અને અગાઉ પણ આ ઘટનાને અંજામ આપનાર નીતિન માળીને માત્ર ને માત્ર ફાંસીની સજા આપવાની માગ કરી રહ્યા હતા. આજે આ કિશોરીનાં પરિવારજનો અને તે જે શાળામાં અભ્યાસ કરતી હતી એનાં આચાર્યા અને તેના સાથી વિદ્યાર્થી મિત્રો પણ ડીસા કોર્ટ ખાતે પહોંચી ગયાં હતાં. આજે ડીસા કોર્ટની બહાર જ આરોપી નીતિન માળીને ફાંસીની સજા કરવાનાં પોસ્ટર લગાવવામાં આવ્યાં હતાં. અંતે, કોર્ટે આરોપીને ફાંસીની સજાનો હુકમ કરતાં મૂકબધિર કિશોરીનાં પરિવારજનો ભાવુક થઈ ગયાં હતાં. મૂકબધિર બાળાના હત્યારાને ફાંસીની સજા આપવામાં આવતાં તેમણે ન્યાય મળ્યાનો સંતોષ વ્યક્ત કર્યો હતો.

