જિલ્લા કોંગ્રેસના કાર્યકર્તાઓની શિબિરની પૂર્ણાહૂતી નિમિતે રાજકોટ આવ્યો છું. દેશ અને ગુજરાતની પ્રજાએ અનેક અપેક્ષા સાથે ભાજપને મત આપ્યા હતા. પણ ભાજપની અણઆવડતને કારણે અનેક ખોટા નિર્ણય લેવાયા. GST અને નોટબંધીનો નિર્ણય લાગુ કરતા સૌથી વધુ સામાન્ય લોકો એનો ભોગ બન્યા છે.
દેશનું અર્થતંત્ર ભયંકર ખરાબ હાલતમાં મૂકાઈ ગયું છે. કોંગ્રેસ શાસનમાં પણ ક્રૂડનો ભાવ 100 ડોલરથી વધુ થયો હોવા છતાં ટેક્સમાં ઘટાડો કરીને ક્યારેય પેટ્રોલનો ભાવ રૂ. 100ને પાર થવા દીધો ન હોતો. ડીઝલના ભાવ હંમેશા પેટ્રોલ કરતા ઓછા રહ્યા છે. ડીઝલમાં ભાવ વધારાથી મોંઘવારી વધે છે. કોરોના કાળમાં જ્યારે ક્રુડ માત્ર 35 ડૉલર હતુ એ સમયે પણ ડ્યૂટીમાં વધારો કરીને પેટ્રોલ ડીઝલના ભાવ ઘટાડ્યા ન હતા. કોરોનામાં મૃત્યું પામેલાના કુલ મોતના આંકડા છુપાવવાનો ખેલ ભાજપના શાસકો રમી ગયા છે. પહેલા 10 હજાર લોકો કોરોનાને કારણે મોતને ભેટ્યા એવું કહ્યું જ્યારે કોર્ટે સાબિતી માંગી ત્યારે ખેલ ખુલ્લો પડી ગયો. માત્ર ગુજરાતમાં જ દોઢ લાખ જેટલા મોત થયા છે. તેમ છતાં ભાજપે મૃતકોના પરિવારને રૂ.4 લાખનું કોઈ વળતર ચૂકવ્યું ન હતું.

નરેશ પટેલ અંગે શક્તિસિંહ જણાવ્યું હતું કે, સર્વે કોણ, કેમ અને કેવી રીતે કરાવે છે એ સૌ કોઈ જાણે છે. નરેશભાઈ મારા જૂના મિત્ર છે. હાલ કોઈ સાથે રાજકીય મુલાકાત થઈ નથી.આપણે ક્ન્યા જોવા માટે જઈએ ત્યારે ઢંઢેરો નથી પીટતા, બંને પક્ષે અનુકુળ લાગે અને સગાઈ નક્કી થાય ત્યારે જાહેરાત થાય છે. જ્યારે નરેશભાઈ આવવાના હશે ત્યારે જાહેરાત કરીશું. આમા કોઈ ટાઈણ લિમિટ ન હોય. કોંગ્રેસમાં જેમનો પડ્યો બોલ ઝીલાતો તેવા નેતાઓ ભાજપમાં ગયા બાદ કઠપૂતળી જેવા થઈ ગયા છે. આ કારણે કેટલાક નેતાઓ પાછા આવી ગયા છે. કોંગ્રેસના હીરો ભાજપમાં જઈ ઝીરો થઈ ગયા.
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. જેને લઈને ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના મોટાનેતાઓ સમયાંતરે રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે. જેના કારણે રાજકોટમાં રાજકીય માહોલ જોવા મળી રહ્યો છે. રાજકોટમાં જિલ્લા કોંગ્રેસની ચિંતન શિબિરમાં રાજ્યસભા સાંસદ અને કોંગ્રેસના મોટાનેતા શક્તિસિંહ ગોહિલે હાર્દિક પટેલ પર નિશાન સાધ્યું છે. શક્તિસિંહે કહ્યું કે, કોંગ્રેસમાં આંતરિક લોકશાહી છે પણ રજૂઆત શિસ્તમાં હોવી જોઈએ.


