કોંગ્રેસની સ્ટેટ લીડરશીપથી ઘણા સમયથી નારાજ હાર્દિક પટેલની હાઈકમાન્ડ સાથેની મુલાકાત બાદ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. હાર્દિક પટેલે નેતૃત્વને લઈને નારાજગી ઘણી વખત મીડિયા સામે પણ વ્યક્ત કરી છે. હવે વાત એવી સામે આવી રહી છે કે, નારાજ થયેલા કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલને મનાવવા માટેના પ્રયત્નો શરૂ થઈ ગયા છે. જોકે, હકીકત એવી પણ છે કે, હાર્દિકે બે દિવસ પહેલા ભાજપના ગુણગાન ગાતા કોંગ્રેસના પેટમાં તેલ રેડાયું છે.
કોંગ્રેસના બે મહાસચીવ હાર્દિક પટેલને મનાવવા માટે પ્રયત્નો કરી રહ્યા છે. એવી માહિતી સુત્રો પાસેથી મળી આવી છે. કોંગ્રેસના મહાસચીવ પ્રિયંકા ગાંધી અને કે.સી. વેણુગોપાલે હાર્દિકનો સંપર્ક કર્યો હોવાના વાવડ મળી રહ્યા છે. હાર્દિક પટેલ સાથે બંને મહાસચીવોએ મહત્ત્વની વાતચીત કરી છે. હાર્દિક પટેલ કોંગ્રેસ ન છોડે એ માટે બંને નેતાઓ પ્રયત્નો કરતા હોવાની વિગત સુત્રોમાંથી મળી છે. જોકે, હાર્દિક પટેલે એવું પણ કહ્યું કે, તેઓ પાર્ટી છોડી રહ્યા છે અને ભાજપમાં આવી રહ્યા છે એ માત્ર એક અફવા છે. પણ ભાજપે કેટલાક મહત્ત્વના નિર્ણય કર્યા છે એનું હું સ્વાગત કરૂ છું અને સ્વીકારૂ છું. જેમ કે, 370ની કલમની નાબુદી.

છેલ્લા ઘણા સમયથી એવી વાત રાજકીય લોબીમાં વહેતી થઈ છે કે, હાર્દિક પટેલ નેતૃત્વથી નારાજ થઈને કોંગ્રેસ છોડે છે ભાજપમાં જાય છે. પણ હાલમાં જે સ્થિતિ છે એને ધ્યાને લેતા ભાજપમાં જોડાવવાનો કોઈ પ્રશ્ન નથી. મારો ભાજપ સાથે જોડાવવાનો કોઈ પ્લાન નથી. હું માત્ર તેમણે લીધેલા મોટા અને મહત્ત્વના નિર્ણયને સ્વીકારૂ છું. જો કોઈ નિર્ણય દેશ અને લોકોના હિતમાં લેવાશે ત્યારે હું અચૂક બોલીશ. હું એવી આશા રાખું છું કે, હાઈકમાન્ડ સાથે જે વાત થઈ છે અને જે મુદ્દાઓ અંગે મે રજૂઆત કરી છે હાઈ કમાન્ડ એને ધ્યાનમાં લે. એ અનુસાર જે તે યોગ્ય પગલાં ભરે. વિરોધ પક્ષ પણ લોકોની ચિંતા તો કરે છે. જો અમે લોકોના અવાજને ઊપર સુધી પહોંચાડવામાં સફળ ન થઈએ તો લોકો બીજા વિકલ્પ શોધશે.
રાજકીય વ્યૂહરચના છે, જે જૂની વિચારધારા છે એને બદલવી જોઈએ એવું મારૂ માનવું છે. આ હું આજે પણ કહી શકું છું જ્યારે રાજકીય કેટલાક નિર્ણયો લેવાઈ ચૂક્યા છે. હું પણ એક હિન્દુ પરિવારમાંથી આવું છું. હજારો વર્ષોથી અમારા વડીલો હિન્દુ ધર્મ સાથે જોડાયેલા છે. હાઈ કમાન્ડ મારી વાત સાંભળશે અને એના પર જે તે નિર્ણય લેશે એવું હું માનું છું. લોકોના પ્રશ્નો, મુદ્દાઓ અને સમસ્યાઓને લઈને હું કાયમ લડવા માટે તૈયાર હતો અને તૈયાર જ રહીશ. પણ ઘણી વખત વિપક્ષમાં હોવા છતા અમુક અંશે એ કામ યોગ્ય તીવ્રતાથી થતું નથી.

