વડોદરામાં મોંઘવારી મુદ્દે બુધવારે ટીમ રિવોલ્યુશનના સ્વેજલ વ્યાસ તરફથી અનોખી રીતે વિરોધ દેખાડો કાર્યક્રમ કરાયો હતો. જેમાં લીંબુ વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. 20 કિલો જેટલા લીંબુ વહેંચવામાં આવ્યા હતા. પહેલા શહેર ભાજપ કાર્યાલયે યોજાનારા કાર્યક્રમને પોલીસ કમિશનર કચેરી ખાતે યોજતા પોલીસકર્મીઓમાં થોડા જ સમયમાં ભાગદોડ મચી ગઇ હતી. પેટ્રોલ-ડીઝલ, ગેસ, સિંગતેલ અને શાકભાજીના ભાવ બાદ લીંબુના ભાવ પણ આસમાને પહોંચતા મોંઘવારીના વિરોધમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

વડોદરાના ટીમ રિવોલ્યુશનના સ્વેજલ વ્યાસ અને તેમના સમર્થકોએ લીંબુનું મફત વેચાણ કરવાનો કાર્યક્રમ યોજીને સરકાર સામે દેખાવ કર્યા છે. જેમાં સ્વેજલ વ્યાસે પહેલા જાહેરાત કરી હતી કે, આ કાર્યક્રમ સયાજીગંજ ખાતે ભાજપ કાર્યાલય બહાર યોજાશે. આ અંગે પોલીસને જાણ થતાં પોલીસનો મોટો કાફલો ભાજપ કાર્યાલય બહાર આવી ગયો હતો. પછી સ્વેજલ વ્યાસે અંતિમ ક્ષણે જાહેરાત કરી હતી કે, હવે તેઓ પોલીસ ભવન ખાતે લીંબુ વિતરણનો કાર્યક્રમ કરશે. અચાન સ્થળ બદલવાને કારણે પોલીસમાં દોડાદોડી થઈ ગઈ હતી. સ્વેજલ વ્યાસે પોલીસ મથકે પહોંચીને કહ્યું હતું કે, દેશમાં લોકશાહી છે અને તેમાં દરેકને રજૂઆત કરવાનો અધિકાર છે. ખેડૂત રૂ. 120માં લીંબુ વેચે એ લીંબુ આપણે રૂ.350માં લઇએ તો રૂ.230 કોણ ખાય છે? સરકાર તેનો જવાબ આપે. જોકે, વચેટિયાઓને કારણે લીબુની માર્કેટમાં ભાવ વધારો જોવા મળી રહ્યો છે આ પણ હકીકત છે. સ્વેજલ વ્યાસે એવો પણ આક્ષેપ કર્યો કે, તે વિરોધ પ્રદર્શન બાદ પરત ફરતા હતા, ત્યારે કારેલીબાગ વિસ્તારમાં કેટલાક લોકોએ તેમનો પીછો કર્યો હતો. એમના પર હુમલાનો પ્રયાસ કર્યો હતો. આ અંગે તેઓ રજૂઆત કરવા કારેલીબાગ પોલીસ સ્ટેશન પણ પહોંચ્યા હતા.

જ્યારે પહેલી વખત પેટ્રોલનો ભાવ રૂ.100 ને પાર થઇ ગયો હતો. એ સમયે પણ સ્વેજલ વ્યાસ અને ટીમ રિવોલ્યુશને મફત પેટ્રોલનું વિતરણ કર્યું હતું. ભાજપનો ખેસ પહેરીને જે વ્યક્તિ આવે અને વંદે માતરમ ભારત માતા કી જય બોલે તેમને એક-એક લિટર પેટ્રોલની મફત દેવાયું હતું. દોઢ કલાકમાં 310 લોકોને મફત પેટ્રોલનું દાન કરવામાં આવ્યું હતું. આમ અનોખી રીતે વિરોધ કરીને સ્થિતિ પર કટાક્ષ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત મોંઘવારીના વિરોધમાં 10 મહિના પહેલા 3 હજાર દૂધની થેલી મફત આપી દેવામાં આવી હતી. મફત દૂધ લેવા માટે લાંબી-લાંબી લાઇનો લાગી હતી. આ વિરોધ પ્રદર્શન દરમિયાન એવુ હવે એવું નક્કી કરાયું કે, તમે વડાપ્રધાનનો ફોટો લઇને આવો તો 10 થેલી દૂધ, મુખ્યમંત્રીનો ફોટો લઇને આવો તો 5 થેલી દૂધ, ધારાસભ્યનો ફોટો લઇને આવો તો 3 થેલી દૂધ. કોર્પોરેટરનો ફોટો લઇને આવનારને 1 થેલી દૂધ દેવામાં આવ્યું હતું. જે વ્યક્તિ પાસે કોઇ રાજકારણીનો ફોટો ન હોય તો તેઓએ બહુત હુઇ મંહગાઇ કી માર, અબ કી બાર મંહગી સરકારનો લગાવવાનો હતો. આ નારો લગાવનારને પણ 1 થેલી દૂધ મફતમાં આપવામાં આવ્યું હતું. આ સાથે ભાજપનો ખેસ અને કાર્ડ લઇને આવનારને પણ તેમને દૂધની મફત થેલી દેવામાં આવી છે. એક બાજું દૂધ અને લીંબુના ભાવ આસમાને છે ત્યારે આવી રીતે મોટો અને જાહેરમાં કટાક્ષ કરીને સરકારનો વિરોધ કરાઈ રહ્યો છે.

