રાજકોટ વૉર્ડ નં.15ના કોંગ્રેસના કોર્પોરેટર વશરામ સાગઠિયા અને કોમલબેન આમ આદમી પાર્ટીમાં જોડાઈ જતા કોંગ્રેસની મુશ્કેલીઓ વધી ગઈ છે. રાજકોટ કોંગ્રેસના પ્રમુખ પ્રદીપ ત્રિવેદીએ બંને સામે નોટીસ જાહેર કરી છે. જેમાં લખવામાં આવ્યું છે કે, વશરામભાઈ તથા કોમલબેન બંને કોંગ્રેસના સિમ્બોલ પર ચૂંટાઈને આવ્યા છે. કોર્પોરેટર બન્યા છે. હવે તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા છે. હવે કોર્પોરેટર પદેથી રાજીનામું આપીને આમ આદમી પાર્ટીમાંથી લડો. બાકી બંનેને ડિસ્ક્વોલિફાઈ કરી દેવાશે.
નોટીસમાં જણાવ્યું હતું કે, રજકોટ મહાનગર પાલિકાની સામાન્ય ચૂંટણી વર્ષ 2021માં વૉર્ડ નં.15માંથી રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે ઉમેદવારી પત્રક ભર્યું હતું. તમે કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે વિજેતા થયા હતા. તા.14 એપ્રિલના રોજ પક્ષના ચિન્હોનો અનાદર કરી આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા છો. તમારા ત્યારે ચૂંટાયેલા પદ ઉપરથી રાજકોટ કોર્પોરેશનના કમિશનરને કોર્પોરેટર પદ પરથી રાજીનામું આપ્યા વિના તમોએ આમ આદમી પાર્ટીમાં જોડાઇ ગયા છો. જે યોગ્ય નથી. આથી તમોએ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના ચિન્હનો અને ચૂંટણી અધિકારીને આપવામાં આવેલા મેન્ડેટનો અનાદર કર્યો છે. ભારતીય ચૂંટણી પંચના કાયદાઓનો પણ ભંગ કર્યો હોવાનો દાવો કર્યો છે. આ નોટિસથી એવું જણાવવામાં આવ્યું છે. આ નોટિસ મળ્યાના બે દિવસમાં કોર્પોરેટરપદેથી તાત્કાલિક રાજીનામું કોર્પોરેશનના કમિશનરને આપી દેવું. અન્યથા તમોની સામે પક્ષાંતર વિરોધી ધારા મુજબ તેમજ કાયદાઓની અન્ય જોગવાઇઓ અને નિયમો અનુસાર કાર્યવાહી કરવાની અમોને ફરજ પડશે.

જોકે, આ મામલાથી રાજકોટ કોંગ્રેસમાં ચહલપહલ મચી ગઈ છે. કોર્પોરેશનમાં હવે સ્થિતિ એવી ઊભી થઈ છે કે, બચેલા માત્ર બે જ કોર્પોરેટર જો ફરી કોઈ પક્ષપલટો કરે તો રાજકોટમાંથી વિપક્ષનું પદ ડગમગી શકે છે. જોવાનું એ રહે છે કે, રાજકોટ કોંગ્રેસમાં પ્રાણ પૂરવા માટે કયા મોટામાથાને જવાબદારી સોંપવામાં આવે છે. આ ઉપરાંત અમદાવાદ ખાતે તાજેતરમાં યોજાયેલી મિટિંગમાં પણ રાજકોટ કોંગ્રેસની વાત કરવામાં આવી હતી. જોકે, હજુ સુધી કોઈને ચોક્કસ પ્રકારની જવાબદારી સોંપાઈ હોય એવું જાણવા મળ્યું નથી.


