રાજકોટના કોર્પોરેશનના નેતા વશરામભાઈ સાગઠિયા અને કોમલબેન બારાઈ કોંગ્રેસમાંથી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. રાજકોટ કોર્પો.માં કોર્પોરેટરોની કુલ 72 બેઠક છે. જેમાં 68 બેઠક પર ભાજપ છે. બાકીની 4 બેઠક પર કોંગ્રેસના કોર્પોરેટર્સ હતા. જ્યારે આમ આદમી પાર્ટીને કોઈ બેઠક મળી ન હતી. કોંગ્રેસની કુલ 4 બેઠકમાંથી 2 કોર્પોરેટરોએ પક્ષપલ્ટો કરતા વિપક્ષ નબળો પડી રહ્યો છે. આ બે નેતાઓએ હવે આપનું પ્રતિનિધિત્વ કરશે. જેથી તેમને હવે વિપક્ષના કોર્પોરેટરનું પદ મળશે કે નહીં એ ચર્ચાનો વિષય રાજકોટમાં બની રહ્યો છે. જો કોંગ્રેસમાંથી હજુ એક કોર્પોરેટર પક્ષપલટો કરશે તો વિપક્ષ પદ જાય એમ છે.

સૂત્રો અનુસાર જેતે પક્ષના ચિહ્ન પર ચૂંટણી જીતનાર ચૂંટાયેલા કૂલ સભ્યોમાં 33 ટકા કરતા ઓછા સભ્યો પક્ષપલ્ટો કરે તો પક્ષાંતર ધારા હેઠળ તેઓને કોર્પોરેટર પદે ગેરલાયક ઠેરવી શકાય છે. પરંતુ, કોંગ્રેસના કૂલ 4માંથી 2 કોર્પોરેટરો વશરામ સાગઠીયા અને કોમલબેન બારાઈ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. આમ, આ બંને કોર્પોરેટરો આપના ચિહ્ન પર ચૂંટાયા નથી. છતાં હવે મનપાની બેઠકો, હવે પછી જનરલ બોર્ડમાં આમ આદમી પાર્ટીનું પ્રતિનિધિત્વ કરશે. મકબુલ દાઉદાણી ત્રીજા કોર્પોરેટર પણ કોંગ્રેસથી છેડો ફાડે તેવી સંભાવના છે. જો એમ થાય તો આમ આદમી પાર્ટી વિપક્ષી નેતાનું પદ જે હાલ ભાનુબેન સોરાણીને મળ્યું છે અને તે હોદ્દાની રૂએ તેમને સાધનસજ્જ એ.સી.ઓફિસ, મોટરકાર સહિતની સુવિધા અપાઈ છે તે પદ માટે આમ આદમી પાર્ટી દાવો કરી શકશે. રાજકોટ કોંગ્રેસમાં પક્ષ પલટાને કારણે મોટું ભંગાણ પડ્યું છે. રજાના દિવસે ચૂંટણી તંત્રના અધિકારીઓએ નિયમોના ચોપડા ખોલીને તેની ચકાસણી કરી હતી. શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીએ જણાવ્યું કે અમે પૂરો અભ્યાસ કરી, ગાંધીનગર માર્ગદર્શન મેળવીને આ મુદ્દે આગળ નિર્ણય લેશું.


