રાજકોટ જિલ્લા સહકારી બેંકમં પૂર્વમંત્રી જયેશ રાદડિયા સામે ભરતી કૌભાંડને લઈને આક્ષેપ થઈ રહ્યા છે. જેમાં એક લાંબા સમય બાદ જયેશ રાદડિયા તરફથી જવાબ સામે આવ્યા છે. સહકારી ક્ષેત્રના જ કેટલાક આગેવાનો એ એમની સામે મોરચો માંડ્યો છે. જેનો જવાબ તેમણે હવે આપી દીધો છે. આ જૂથે કોર્ટના દ્વાર ખખડાવવાની તૈયારી દેખાડી ત્યારે જયેશ રાદડિયાએ જવાબ આપ્યો છે. જયેશ રાદડિયાએ જણાવ્યું હતું કે,આવા લોકોના આક્ષેપના જવાબ આપવાના ન હોય. હું આવા લોકોને કોઈ જવાબ નથી આપતો.
આવા આક્ષેપનો સામનો કરવા માટે જયેશ રાદડિયા એકલો સક્ષમ છે. આની પહેલાં પણ મેં જવાબ આપ્યો હતો કે આ પ્રકારના જે આક્ષેપો છે એ પાયાવિહોણા છે. રાજકોટ જિલ્લા સહકારી બેંક સમગ્ર દેશમાં નમૂનેદાર ખેડૂતોના હિતમાં કામ કરતી રાજકોટની એક સંસ્થા છે. આસપાસના ગ્રામ્ય વિસ્તારના લાખો ખેડૂતોને આ બેંક પર વિશ્વાસ છે. કોર્ટમાં જવાની વાત છે તો આ એનો પ્રશ્ન છે. મારે એમાં કંઈ ન કહેવાનું હોય. રાજકોટ જિલ્લા સહકારી બેંકની વાત થઇ છે તો એમાં સવાબે લાખ ખેડૂત તો ધિરાણ લેતા સભાસદો છે. એ સિવાયના મધ્યમ કદના 8 લાખથી વધારે સભાસદનાં આ બેંકમાં ખાતા છે.

તા.31 માર્ચ 2021થી 31 માર્ચ 2022 સુધીમાં એક વર્ષમાં બેંકે રૂ.160 કરોડનો નફો કર્યો છે. ગત વર્ષ 2021માં રૂ.129 કરોડનો નફો હતો. આથી બેંકનો 31 કરોડનો નફો વધ્યો છે. જ્યાં આક્ષેપો થતા હોય ત્યાં કોઈ રીતે ડીપોઝિટ ન વધે. આક્ષેપ પાછળ એ લોકોનો હેતું એને ખબર. મારો તો કોઈ પ્રશ્ન નથી. બાકી પાટીદારોએ મત આપ્યા ત્યારે ભાજપની સરકાર બની છે. દરેક સમાજ અને મતદારનું મતદાનમાં મહત્ત્વ હોય છે. ગુજરાતમાં તમામ મતદારો મહત્ત્વના છે. હાર્દિક પટેલ અંગે જ્યારે ચૂંટણી લડવા અંગે પ્રશ્ન કરાયો ત્યારે તેમણે કહ્યું કે, ભાજપ સાથે પાટીદાર સમાજ હંમેશા રહ્યો છે. કાયમ રહેવાનો છે. તેથી રાજ્યમાં છેલ્લા 25 વર્ષથી ભાજપની સરકાર બનતી આવી છે. પાટીદારોએ મત આપ્યા છે ત્યારે આ સરકાર બની છે. સરકારમાં પાટીદારનો ફાળો કાયમી રહ્યો છે. આગામી ચૂંટણીમાં પણ પાટીદારો ભાજપને મત આપશે.

