માર્ચ મહિનામાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં સેન્ચુરી લાગતા સામાન્ય માણસને તમામ રીતે અસર થઈ છે. એવામાં સિંગતેલ અને ગેસના ભાવમાં વધારો થતા અનેક ગૃહિણીઓનું આર્થિક બજેટ ખોરવાયું છે. પેટ્રોલ અને ડીઝલમાં થયેલા ભાવ વધારાની અસર છૂટક ફૂગાવાના આંક પર દેખાઈ રહી છે. રીટેઈલ મોંઘવારીમાં મોટો ભાવ વધારો થયો છે. માર્ચ મહિનામાં ફુગાવો 6.95 ટકા હતો જ્યારે ફેબ્રુઆરી 2022માં આ 6.07 ટકા રહ્યો હતો. આ આંકડો આઠ મહિનાના સર્વોચ્ચ સ્તરે પહોંચ્યો છે.
જેની એક અસર લોકોના જીવન વ્યવહાર પર ઊભી થઈ રહી છે. રીટેઈલ ફુગાવો 6.95 ટકા સુધી પહોંચ્યો છે. જે RBI તરફથી નિર્ધારીત 6 ટકાની ઉપર છે. જ્યારે NSOના ડેટા અનુસાર શહેરી વિસ્તારમાં મોંઘવારી સ્પષ્ટ દેખાઈ રહી છે. વધી રહેલી મોંઘવારી વચ્ચે પીસાતી પ્રજાના રીતસના સીસકારા બોલી ગયા છે. ફેબ્રુઆરી મહિનામાં શહેરી વિસ્તારમાં ફુગાવો 5.75 ટકા રહ્યો હતો. માર્ચ 2022માં છૂટક ફૂગાવાનો દર 7.66 ટકા રહ્યો છે. જ્યારે ગ્રામીણ વિસ્તારમાં છૂટક ફુગાવાનો દર 6.12 ટકા રહ્યો છે. માર્ચ મહિનામાં આંતરરાષ્ટ્રીય ક્રુડ ઓઈલના ભાવમાં ઉછાળો આવ્યો હતો. કેટલાક મહિનાઓથી મોંઘવારીએ માઝા મૂકી છે અને તમામેતમામ ચીજોમાં બેફામ ભાવવધારો થયો છે ત્યારે છેલ્લા એક વર્ષમાં જ મોંઘવારી ડબલ થઇ ગઇ હોવાની કેન્દ્ર સરકારના આંકડાકીય રિપોર્ટ પરથી સૂચવાઈ રહ્યું છે. માર્ચ 2021થી માર્ચ 2022 દરમિયાન મોંઘવારીનો દર ડબલ થઇ ગયો છે. ખાદ્ય ચીજોમાં મોટો ભાવવધારો થયો છે. માર્કેટ એક્સપર્ટના જણાવ્યા અનુસર પેટ્રોલીયમ, ખાદ્યતેલ તથા શાકભાજીની મોંઘવારીએ જ ફૂગાવાનું ગણિત બગાડી નાખ્યુ છે. આ તમામ ચીજોમાં મોંઘવારી દર વૃધ્ધિ બે આંકડામાં નોંધાયો છે. ગ્રામીણ ક્ષેત્રમાં ખાદ્યતેલની મોંઘવારી 20.75 ટકા વધી હતી. જ્યારે શહેરી વિસ્તારોમાં 15.15 ટકાની વૃધ્ધિ સૂચવે છે.

શાકભાજીની મોંઘવારી ગ્રામ્યમાં 10.57 ટકા જ્યારે શહેરોમાં 13.37 ટકાનો વધારો સૂચવે છે. માર્ચ મહિનાના ફૂગાવોનો વધારો સરકારના અંદાજ કરતા પણ વધુ રહ્યો છે.મોંઘવારી વધારવામાં રશિયા-યુક્રેન યુધ્ધનો સિંહફાળો છે. કારણ કે એ યુદ્ધને કારણે ક્રુડ માર્કેટને સીધી અસર થઈ છે. જોકે, સ્થાનિક સ્તરે ખાદ્ય ચીજના ભાવ વધારો થતા અને પરિવહન મોંઘુ થતા દરેક કોમોડિટીને માઠી અસર પહોંચી છે. જે સ્થાનિક વસ્તુનું ઉત્પાદન જે તે ક્ષેત્રેમાં સસ્તું હતું એ પણ મોંઘુ બની રહ્યું છે. લીંબુ જેવી સામાન્ય વસ્તુના ભાવ રૂ.300 સુધી પહોંચતા આર્થિક રીતે મોટી પછડાટ લાગી છે.

