ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયાના “સ્ટેટ ઓફ ફોરેસ્ટ રીપોર્ટ 2021” (IFSR)નો અહેવાલ સામે આવ્યો છે. જેને લઈને કોંગ્રેસે ભાજપ સરકાર સામે વૃક્ષોનું નિકંદન કાઢી નાંખ્યું હોવના દાવા કર્યા છે. દેશના અને ગુજરાતના મેગા સિટી એવા અમદાવાદમાં મોટા પાયે ફોરેસ્ટ કવરમાં મોટો ઘટાડો થઈ ગયો છે. વિકાસના નામે વૃક્ષોનાં કરાતા આડેધડ છેદન મુદ્દે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરી કોંગ્રેસ સમિતિનાં મુખ્ય પ્રવક્તા ડૉ.મનીષ દોશીએ રોષ વ્યક્ત કર્યો છે.
ડૉ.મનીષ દોશીએ જણાવ્યું હતું કે “હરિયાળું ગુજરાત”,વન મહોત્સવ, વન સંરક્ષણની માત્ર મોટી મોટી વાતો થાય છે. મોટી મોટી વાતો કરતી ભાજપ સરકારમાં વિકાસના નામે 10 લાખથી વધારે એમ બેફામ વૃક્ષો કપાઈ ગયા છે. વર્ષ 2013-2021ના સમય ગાળામાં સરકારે વિકાસના નામે 10 લાખ કરતા વધુ ઝાડ કાપવાની મંજૂરી આપી દીધી છે. આ સત્તાવાર વિગત છે. બાકી બિનસત્તાવાર રીતે તો 30 લાખ કરતા વધારે ઝાડનું નિકંદન કાઢી દેવામાં આવ્યું છે. એ પણ વિકાસના નામે. રાજ્યમાં વનીકરણને નામે મેળા અને મોટા ઉત્સવો થઇ રહ્યા છે. એટલે કે 17.86 ચોરસ કિમીમાંથી 9.47 ચોરસ કિમી એટલે કે 48 ટકાનો ઘટાડો નોંધાયો છે. ખાસ કરીને અમદાવાદમાં 8.55 ચોરસ કિમીમાં ઘટાડો થયો છે. “મિશન મિલિયન ટ્રી”ના નામે અમદાવાદના શહેરી વિસ્તારમાં વૃક્ષારોપણ થાય છે પણ આ કામગીરી માત્ર કાગળ પર થઈ ગઈ છે. વર્ષ 2019માં ગુજરાત રાજ્યનું જે ટ્રી કવર 6912 ચોરસ કિમીમાં હતું. જે વર્ષ 2021માં 5489 ચોરસ કિમીમાં થઈ ગયું છે. એક મોટા વિસ્તારમાંથી વૃક્ષોનું નિકંદન કાઢી નાંખવામાં આવ્યું છે. આજ રીતે વર્ષ 2011 થી 2016માં 14144.22 હેક્ટર સામે 4085.79 હેકટરનો ઉમેરો થયો. ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયાના ગત વર્ષના એક રીપોર્ટ અનુસાર છેલ્લા ચાર વર્ષમાં ગુજરાતના નવ જિલ્લાઓ બનાસકાંઠા, અમદાવાદ, નર્મદા, ભરૂચ, તાપી, સુરત, વડોદરા, ડાંગ, સુરેન્દ્રનગરમાં ફોરેસ્ટ કવરમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે.

અમદાવાદ જિલ્લામાં ચોરસ કિમી, સૌથી મોટાપાયે ગ્રીન કવરમાં ઘટાડો થયો છે. આ સાથે સુરેન્દ્રનગર જિલ્લામાં 11.2 ચોરસ કિમી, વડોદરા 11.00 ચોરસ કિમી, આણંદ 16.5ચોરસ કિમી, નર્મદા 20.5 ચોરસ કિમીનો નોંધપાત્ર ઘટાડો થયો છે. અમદાવાદ-ભાવનગર, અમદાવાદ-રાજકોટ, અમદાવાદ-ઉદેપુરના મોટા રોડ પ્રોજેક્ટના લીધે અમદાવાદથી બાયપાસ થયા રસ્તામાં મોટી સંખ્યામાં વૃક્ષોનું નિકંદન કાઢી દેવામાં આવ્યું છે. ગુજરાત રાજ્યમાં જંગલોનો વિસ્તાર ધીમે ધીમે ઘટી રહ્યો છે. તેમ છતાં સરકાર ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારમાં ગાંડા બાવળને પણ ગણતરીમાં લઇ જંગલ વિસ્તાર વધ્યાનો દાવો કરે છે. જોકે, સર્વેમાં ગાંડા બાવળની ગણતરી થતી નથી. “પર્યાવરણ બચાવો, વૃક્ષ બચાવો” માત્ર જાહેરાતો અને વાતો કરતી ભાજપ સરકારમાં માત્ર બે વર્ષમાં વિકાસનાં નામે અમદાવાદ–ગાંધીનગરમાંથી જ 17422 વૃક્ષોનું નિકંદન કાઢી નખાયું છે. આ બાબત ખરા અર્થમાં ચિંતાજનક છે. સતત વધી રહેલું તાપમાન એ મોટો પડકાર છે ત્યારે રાજ્યમાં અને ખાસ કરીને શહેરી વિસ્તારોમાં વિકાસના નામે વૃક્ષો કાપવાની પ્રવૃતિ જોરશોરથી ચાલી રહી છે. આ વૃક્ષો કાપવાની પ્રવૃત્તિને રોકવામાં આવે તેવી માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડો.મનીષ દોશીએ જણાવ્યું હતું. બીજી બાજું ગુજરાત રાજ્યનો કુલ વિસ્તાર 1,96,02,400 હેક્ટર છે. વર્ષ 2015-16માં રાજ્યનો કુલ વનવિસ્તાર 22,30,264 હેક્ટર હતો. જે વનવિસ્તાર તા.31-12-2017ની સ્થિતિએ ઘટીને 21,84,025 હેક્ટર થયો છે. આણંદ જીલ્લામાં વર્ષ 2015-16માં વનવિસ્તાર 41,269 હેક્ટર હતો જે ઘટીને શૂન્ય થઇ ગયો છે. વનમંત્રી જવાબમાં છેલ્લા બે વર્ષમાં કોઈ ઘટાડો નોંધાયેલ નથી તેમ જણાવ્યું છે. આ 41,269 હેક્ટર વનવિસ્તાર કોણ કાપી ગયું?


