સહકારી ક્ષેત્રમાં દબદબો ધરાવતા જયેશ રાદડિયા સામે વિરોધ કરનારાઓનો વર્ગ મોટો અને તીવ્રતા વધતી જાય છે. સમયાંતરે કોઈને કોઈ મુદ્દે રાદડિયા સામે એવા મુદ્દા ઊઠાવવામાં આવે છે જેની ચર્ચા સમગ્ર રાજકોટના સહકારી ક્ષેત્રમાં થઈ રહી છે. રાજકોટની ક્રાઇમ બ્રાન્ચે અટિકા વિસ્તારમાંથી બે શખ્સને ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા ઝડપી લીધા જેની તપાસમાં રાજકોટ જિલ્લા બેન્કના પ્રતિનિધિ મહેશ આસોદરિયાએ સટ્ટો રમવા માટેની આઇ.ડી. આપી હોવાની કબૂલાતથી સહકારી અને રાજકીય ક્ષેત્રે ખળભળાટ મચી ગયો છે.
મહેશનું નામ આગળ ધર્યુ
જેમાં હવે ફરીથી પૂર્વ મંત્રી જયેશ રાદડિયા સામે વિરોધના સૂર પડધાઈ રહ્યા હોય એવો ઘાટ છે. આ વખતે હવે માર્કેટિંગ યાર્ડના પૂર્વ ચેરમેન હરદેવસિંહ જાડેજાએ રોષ વ્યક્ત કરી કહ્યું છે કે, જયેશ રાદડિયાને સહકારી ક્ષેત્રના ‘સ’ની અને રાજકારણના ‘ર’ની ખબર નથી. મહેશ તો અગાઉથી જ બુકી છે. આ વાતની તમામ લોકોને જાણ હોવ છતાં પણ મેન્ડેડ આપી દેવાયું. અમારી માંગ એ છે કે, એની નિમણૂંક યુદ્ધના ધોરણે રદ્દ કરી દેવામાં આવે. જે એક પક્ષ માટે હિતમાં છે. રાજકોટ લોધિકા સંઘના પૂર્વ ચેરમેન નીતિન ઢાંકેચાએ કહ્યું કે, રાજકોટ લોધિકા સંઘમાં વિજય સખિયાનું નામ દૂર કરીને એના સ્થાને જિલ્લા બેંક તરફથી મહેશ આસોદરિયાને જવાબદારી સોંપાઈ. એ સમયે મહેશ આસોદરિયાના નામનો પોતે તથા અન્ય આગેવાનો એ વિરોધ કરેલો હતો.મહેશ આસોદરિયા બુકીની છાપ ધરાવે છે. રાજકોટ લોધિકા સંઘમાં કોઈ આબરૂદાર વ્યક્તિની નિમણૂંક કરવામાં આવે એવી અમારી માંગ છે. પણ એ સમયે જયેશ રાદડિયા અને ભાજપનાા ઉપ પ્રમખ ડૉ. ભરત બોઘરાએ મહેશનું નામ આગળ ધર્યું.

પોલીસ તપાસ મહેશ સામે
પોલીસ જપ્ત કરેલા એક મોબાઇલમાંથી મળેલી આઇ.ડી. સહકારી આગેવાન મહેશ આસોદરિયાએ અને બીજા મોબાઇલમાંથી મળેલી આઇ.ડી.મુંબઇ રહેતા હિમાંશુ પટેલે આપ્યાની કબૂલાત પેલા પકડાયેલા આરોપીઓએ આપી દીધી છે. એટલે મહેશ સામે તપાસનો ધમધમાટ શરૂ થાય એ નક્કી મનાય રહ્યું છે. હાર્દિક તારપરાના મોબાઇલમાંથી મળેલી આઇ.ડી.અજય નટવરલાલ મીઠિયાએ આપી હોવાનું પ્રાથમિક તપાસમાંથી સામે આવ્યું છે. પોલીસે બંને આરોપીની અટકાયત કરી રૂ.85 હજારના ત્રણેય મોબાઇલ કબજે કરી મહેશ આસોદરિયા સહિત ત્રણની શોધખોળ ચાલું કરી દીધી છે.
પટ્ટાવાળાની ભરતીનો વિવાદ
રાજકોટ જિલ્લા સહાકારી બેંકમાં પટ્ટાવાળાની ભરતીમાં આર્થિક કૌભાંડ કર્યું હોવાની ભાજપના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી જયેશ રાદડિયા સામે પ્રદેશ ભાજપના આગેવાનોએ મોરચો માંડ્યો છે. જેમાં ભાજપના જ નીતિન ઢાંકેચા, હરદેવસિંહ જાડેજા સહિતના આગેવાનોએ ગાંધીનગર સુધી રાદડિયાની રજૂઆત કરી છે. જેમાં લોધિકા સંઘ બેંકના પ્રતિનિધિ તરીકે ડાયરેક્ટર પદે રહેલા વિજય સખિયાની પણ સહી છે. વિજય સખિયા રાદડિયા વિરૂદ્ધ થયેલા જુથમાં ભળી જતા લોધિકા સંઘમાં એમનું નામ હટાવી મહેશ આસોદરિયાનું નામ મૂકી દીધું હતું. એના પર હાઈકમાન્ડની મહોર મરાઈ છે. હવે ક્રિકેટના સટ્ટામાં એમનું નામ ખુલ્યું છે.

આ રીતે ઝડપાયો મામલો
રાજકોટમાં વિરાણી અઘાટમાં બાલાજી એન્ટરપ્રાઇઝ નામના કારખાનાવાળી શેરીમાં બે શખ્સો મોબાઈલમાં આઈડી તૈયાર કરીને રાજસ્થાન તથા લખનઉ વચ્ચે ચાલી રહેલી ક્રિકેટ મેચ પર ફોનથી હાર જીતનો જુગાર રમાડતા હતા. આ અંગેની એક ચોક્કસ બાતમી ક્રાઇમ બ્રાંચના પીઆઇ સહિતની ટીમને મળતા ટીમ દોડી ગઇ હતી. પોલીસે સ્થળ પર જઇ ત્યાં હાજર ચંપકનગરના પ્રતીક દિનેશ ટોપિયા અને કુવાડવા રોડ પરના એલપી પાર્કમાં રહેતા હાર્દિક જિતેન્દ્ર તારપરાને પકડીને પૂછપરછ કરી હતી. જ્યારે એના મોબાઈલને સ્કેન કરાયા હતા. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં રેલો સહકારી ક્ષેત્ર સુધી લંબાતા મહેશનું નામ ખુલ્યું.


