વડોદરા ભાજપના પૂર્વ કોર્પોરેટર અરવિંદ પ્રજાપતિએ એક લગ્ન પ્રસંગે હવામાં ફાયરિંગ કર્યાનો વીડિયો વાયરલ થયો છે. એટલું જ નહીં પોતે દારૂની મહેફિલ માણી રહ્યા હોવાના ફોટો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. જ્યારે આ અંગે એમનો સંપર્ક કરીને પૂછવામાં આવ્યું ત્યારે તેણે ફોન સ્વીચ ઓફ કરી દીધો હતો. પછી પોતે ભૂગર્ભમાં ઊતરી ગયા હતા. મહાનગર વડોદરા શહેરના વૉર્ડ નં.2ના ભાજપના પૂર્વ કોર્પોરેટર અરવિંદ પ્રજાપતિ હવામાં ફાયરિંગ કરે છે એવો વીડિયો વાયરલ થયો છે .

પાર્ટી પ્લોટ માલિકના ઘરે યોજાયેલા લગ્ન પ્રસંગમાં તેઓ હવામાં ફાયરિંગ કરી રહ્યા છે. તા.17 માર્ચના રોજ એક પાર્ટી પ્લોટના દીકરીના ઘરે લગ્ન પ્રસંગે તેઓ પહોંચ્યા હતા. જેમાં તેમણે બેથી ત્રણ રાઉન્ડ ફાયર કર્યા હતા. ફાયરિંગ કરતો વીડિયો સામે આવ્યા બાદ અરવિંદ પ્રજાપતિએ ફોન સ્વીચ ઓફ કરી દીધો. સમા વિસ્તારમાં જ્યારે એમના ઘરે તપાસ કરવામાં આવી ત્યારે પણ તેઓ હાજર ન હતા. એમની ઓફિસ પણ બંધ જોવા મળી છે. આ ઘટના બાદ પ્રશ્ન એ ઊભા થાય છે કે, જે રિવોલ્વરમાંથી ફાયરિંગ કર્યું એ અસલી છે કે નકલી? આ રિવોલ્વર કોની છે? આ તમામ બાબતો પર પોલીસ તપાસ કરી રહી છે. જ્યારે અન્ય જે ફોટા વાયરલ થઈ રહ્યા છે એમાં તેઓ દારૂની મહેફિલ માણી રહ્યા છે. દારૂના ગ્લાસ બોટલ અને બાઈટિંગ નજરે ચડે છે. આ પહેલા તેઓ કાઉન્સેલર પણ રહી ચૂક્યા છે. જોકે, એમનો કોઈ સંપર્ક ન થયા અન્ય કોઈ બાબત સ્પષ્ટ થઈ નથી. જોકે, લગ્ન પ્રસંગે ફાયરિંગ થયું હોય એવી આ પહેલી ઘટના નથી. આ પહેલા પણ વડોદરાના ગ્રામ્ય વિસ્તારમાંથી લગ્ન પ્રસંગે ફાયરિંગની ઘટનાઓ બની છે.

જ્યારે પણ આવી ઘટના બને છે અને વાયરલ વીડિયો સામે આવે છે ત્યારે પોલીસ ઊંડાણપૂર્વક તપાસની ખાતરી આપે છે. પણ રાજ્યમાં વધી રહેલા હથિયાર અંગેના પરવાના પણ આ પાછળ ક્યાંક જવાબદાર હોવાનું લોકોનું માનવું છે. જેના કારણે અન્ય લોકોમાં પણ ભયનો માહોલ ઊભો થાય છે. લગ્ન પ્રસંગની સીઝન ફરી શરૂ થવામાં છે. એવામાં હવે આ પ્રકારના બનાવ ન બને એ માટે પોલીસ પણ એલર્ટ થઈ ગઈ છે. જોકે, કોર્પોરેટરના કેસમાં પણ વડોદરા પોલીસે તપાસ અંગેની વાત કહી છે.

