દક્ષિણ ગુજરાતના ભરૂચ જિલ્લામાંથી કોંગ્રેસને મોટો ફટકો લાગ્યો છે. કોંગ્રેસ સંગઠનમાંથી અંદરોઅંદર વિકવાદ સપાટી પર આવી રહ્યો છે. ભરૂચ જિલ્લાના 92 આગેવાનોના રાજીનામા પડી શકે એમ છે. આ તમામ લોકો ઉપપ્રમુખ અને મહામંત્રીને રાજીનામા આપી શકે છે. જિલ્લા અને તાલુકાના આગેવાનો સહિત કુલ 92 લોકો એકસાથે રાજીનામું આપી શકે છે. આ મામલે પ્રભારી અને પ્રમુખ સક્રિય થયા છે.
ભરૂચ કોંગ્રેસના આગેવાનોને રવિવારે અમદાવાદના કોંગ્રેસ ભવન ખાતે બોલાવવામાં આવ્યા છે. જો મામલે ઉકેલાશે નહીં તો એક સાથે 92 આગેવાનોના રાજીનામા ચૂંટણી ટાણે પડી શકે છે. આ વાત નક્કી માનવામાં આવી રહી છે. ભરૂચમાં ક્ષત્રિય સમાજને મહત્ત્વ અપાતા અન્ય સમાજ નારાજ થયો છે. જેના કારણે આ અસર થઈ હોવાનું મનાય રહ્યું છે. ભરૂચ જિલ્લા કોંગ્રેસના પ્રમુખને બદલાવવા માટેની માંગ ઊભી થઈ છે. ભરૂચ કોંગ્રેસના પ્રમુખ પરિમલસિંહ રાણાને બદલાવવામાં ન આવતા રાજીનામા આપવા સુધીની ચિમકી આગેવાનોએ ઉચ્ચારી છે. આ વાત અમદાવાદના કોંગ્રેસ નેતાઓ સુધી પહોંચતા દોડધામ મચી ગઈ હતી. ગમે તેમ કરીને સ્થિતિને થાળે પાડવા માટે પગલાં લેવાઈ રહ્યા છે. જો આવું થયું તો ચૂંટણી પહેલા જ કોંગ્રેસને મોટો ફટકો ભરૂચ જિલ્લામાંથી પડી શકે છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં નિષ્ફળતા પ્રાપ્ત થવા છતાં પણ એમને બદલવા અંગે કોઈ નિર્ણય લેવાયો નથી. નવી નિમણૂંક કરીને ભરૂચ જિલ્લામાંથી ચાર વ્યક્તિને સમાવી લેવાયા. આ ચારમાંથી ત્રણ વ્યક્તિ ક્ષત્રિય સમાજમાંથી આવે છે. રાજેન્દ્રસિંહ રાણા, માનસિંહ ડોડીયા અને સંદીપ માંગરોળાને કોંગ્રેસમાં લેવામાં આવ્યા છે. આ ત્રણેય આગેવાનોને મહામંત્રી બનાવાતા મામલો ગરમાયો હતો.

ભરૂચમાં OBCની વસ્તી 17 ટકા છે. તેમ છતાં સ્થાન ન આપવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. ભરૂચમાં SC-STની વસ્તી 40 ટકા છતાં રાજકીય મહત્વ ન અપાતા નારાજગીનો માહોલ છે. જેની ચૂંટણીમાં અસર ઊભી થઈ શકે છે. લઘુમતી સમાજની વસ્તી 18 ટકા છતાં એક જ વ્યક્તિને સ્થાન મળતા લોકોમાં રોષ છે. ક્ષત્રિય સમાજની વસ્તી 04 ટકા છતાં 4 વ્યક્તિને સંગઠનમાં સમાવતા રોષ જોવા મળ્યો છે. પરિમલસિંહ રાણાને હટાવવા કોંગ્રેસના બે જૂથ આમને સામને આવી ગયા છે. પરિમલસિંહ રાણાને ભૂતકાળમાં શો કોઝ નોટિસ અપાઈ છતાં કાર્યવાહી ન થયાનો આરોપ છે.


