સામાન્ય રીતે ચોરી કોઈ મુલ્યવાન વસ્તુઓની થતી હોય છે. પણ વ્યસ્ની અને બંધાણીઓ માટે એમની પસંદગીની વસ્તુ મળે તો ચોરી કરવા પણ ખચકાતા નથી. આવી જ એક ઘટના જામનગરમાંથી સામે આવી છે. જ્યાં જથ્થાબંધ તમાકુંના વેપારીને ત્યાંથી તમાકુંના 200 નંગ ડબ્બાની ચોરી થઈ ગઈ હતી. જામનગર શહેરના ગ્રેઈન માર્કેટ વિસ્તારમાં ચોરીનો બનાવ સામે આવ્યો છે. ભરબપોરના સમયે દુકાનની બહાર ઓટલા પર રાખેલા 200 નંગ તમાકુના ડબ્બાની અજાણ્યો શખ્સ ચોરી કરી ગયો. આ ઘટનાના સીસીટીવી ફુટેજ પણ સામે આવ્યાં છે. આ ઘટના અંગે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી હતી.

જામનગરના ગ્રેઈન માર્કેટ વિસ્તારમાં 10 દિવસ પૂર્વે બપોરના બે થી અઢી વાગ્યાના સમય દરમિયાન ગ્રેઈન માર્કેટમાં ચેમ્બર હોલ રોડ પર આર.જે. ટ્રેડીંગ નામની દુકાનમાંથી તમાકુંની ચોરી થઈ છે. દુકાનની બહાર ઓટલા ઉપર રૂ.49,680 ની કિંમતના 200 નંગ બાગબાન તમાકુના ડબ્બા એક બોકસમાં રાખ્યા હતાં. જે માત્ર 30 મિનિટના સમય દરમિયાન કોઇ અજાણ્યો વ્યક્તિ આ તમાકુનું બોક્સ લીઈને ફરાર થઈ ગયો છે. મળી આવેલા સીસીટીવીમાં વ્યક્તિ બાઈક પર જતી જોવા મળે છે. આ ઘટનાને લઈ શિવમ પરેશભાઈ જાની દ્વારા પોલીસને જાણ કરાતા એએસઆઈ એચ.એમ. ચાવડા તથા સ્ટાફે અજાણ્યા તસ્કર વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.

