ગુજરાત રાજ્યની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ગેરરીતિ થયા કે પેપર ફૂટ્યાના અનેક એવા આક્ષેપ કરનાર યુવરાજસિંહ જાડેજાની ગાંધીનગર પોલીસે ધરપકડ કરી છે. ગાંધીનગર પોલીસ હેડક્વાર્ટરમાં યુવરાજસિંહે પોલીસ સાથે ઘર્ષણ કરીને પોલીસ જવાન પર કાર ચડાવી દેવાના પ્રયાસ કર્યા હેતું એની ધરપકડ કરવામાં આવી છે. આ મામલાને લઈને ધોરાજી-ઉપલેટાના કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે.
તેમણે પત્ર લખીને મુખ્યમંત્રી પદે રહેલા ભૂપેન્દ્ર પટેલને યુવરાજસિંહને ન્યાય મળે એવી વાત કરી છે. આમ તેમણે આમ આદમી પાર્ટીના નેતાને સપોર્ટ કર્યો છે. લલિત વસોયાએ કહ્યું હતું કે, યુવરાજસિંહે પેપર કૌભાંડ પ્રકાશિત કરીને સરકારની મદદ કરી છે એને ન્યાય મળવો જોઈએ, રાજ્યમાં જુદી જુદી સરકારી ભરતીમાંથી ગેરરીતિ તથા શિક્ષણને લગતા મુદ્દાઓને લઈ ગુજરાતના યુવા સંગઠન તેમજ વિદ્યાર્થી આગેવાન તરફથી સરકાર સામે ન્યાય અંગે જ્યારે પણ અવાજ ઊઠાવવામાં આવે છે. ત્યારે અલગ ચિત્ર જોવા મળે છે. સરકારી ભરતીમાં થતી ગેરરીતિ અંગે તપાસ કરવાના બદલે આંદોલન કરતા વિદ્યાર્થીઓ પર તથા એના આગેવાનો પર આવી રીતે કાર્યવાહી કરવી યોગ્ય નથી.

હું આપને વિનંતી કરૂ છું કે, રાજ્યમાં યુવાનોના પ્રશ્નોને રજૂ કરતા યુવા નેતાઓ જેમ કે, યુવરાજસિંહ જેણે છેલ્લા કેટલાક સમયથી પેપર કૌભાંડને પ્રકાશિત કરી અનેક મોરચે સરકારની મદદ કરી છે. એમને યોગ્ય ન્યાય આપીને ગુનેગારોને પકડવા જોઈએ. બીજા ગુનેગારોને પકડવા માટે તત્પર બનવું જોઈએ. ભવિષ્યને ધ્યાને રાખીને સરકારે યોગ્ય ન્યાય મળે એ રીતે તથા અલગ અલગ સરકારી ભરતીમાં થતી ગેરરીતિમાં પકડાયેલા લોકો સામે કડક કાર્યવાહી કરવી જોઈએ. આ પ્રકારના યોગ્ય પગલાં લેવા માટે મારી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને એક ભલામણ છે.
ગાંધીનગર પોલીસે યુવરાજસિંહ વિરુદ્ધ કલમ 307 અને 332 હેઠળ ગુનો નોંધ્યો છે. જોકે, પોલીસે તેમના રિમાન્ડની માગણી ના કરતા તેમને સાબરમતી સેન્ટ્રલ જેલ જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા હતા. પોલીસે આજે યુવરાજસિંહને પાછલા દરવાજેથી કોર્ટમાં લઈ જવામાં આવ્યા હતા. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, ગઈકાલે ગુનો દાખલ કરીને યુવરાજસિંહ ઉપરાંત અન્ય એક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે કોર્ટમાં રિમાન્ડની માગણી ના કરતા તેમને સાબરમતી જેલમાં જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ મોકલી અપાયા છે.


