મેડિકલ ક્ષેત્ર MBBSમાં એડમિશનને લઈને ગુજરાત હાઈકોર્ટે એક મહત્ત્વનો ચૂકાદો જોહેર કર્યો છે. કોર્ટે પોતાના આદેશમાં એવું નોંધ્યું છે કે, મેડિકલમાં એડમિશન માટે મેનેજમેન્ટ ક્વોટામાં અનામત અંગેની છૂટછાટનો લાભ આપી ન શકાય. SEBC કેટેગરીમાં આવતા વિદ્યાર્થીઓના પ્રવેશ માટે સરકારી બેઠક પર લાગુ પડતા હોય એવા ક્રાઈટેરિયા મેનેજમેન્ટ ક્વોટામાં લાગુ પાડવા માટે અરજીકર્તાઓએ કોર્ટને એક રજૂઆત કરી હતી. જેને કોર્ટે ફગાવી દીધી છે.
આ અરજી કરનાર વિદ્યાર્થી SEBC કેટેગરીમાંથી આવે છે. જેને ધોરણ 12માં 48.8% ટકા આવ્યા હતા અને વર્ષ 2021ની નીટની કસોટીમાં 392 માર્ક મેળવ્યા હતા.SEBC કેટેગરીમાંથી એડમિશન લેવા માટે દાહોદની મેડિકલ કૉલેજમાં ક્વોટા અંતર્ગત અરજી કરી હતી. પણ એડમિશન કરનારી કમિટીએ તેને સુરતમાં એડમિશન આપી દીધું હતું. એ પણ હોમિયોપેથી કેટેગરીમાં. આવું કરવા પાછળનું એવું કારણ આપવામાં આવ્યું હતું કે, નવા નિયમો મુજબ વિદ્યાર્થીએ HSCમાં મહત્તમ 50% હોવા જોઈએ. તો જ મેનેજમેન્ટ કે NRI ક્વોટામાં એડમિશન માટે યોગ્ય છે. પણ મેનેજમેન્ટ બેઠકો પર અનામતનો નિયમ લાગુ ન પડી શકે.

આ મુદ્દે વિદ્યાર્થીએ પહેલા હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. સિંગલ જજ સમક્ષ અરજી કરી અને બેંચે વિદ્યાર્થીની તરફેણમાં ચૂકાદો જાહેર કર્યો હતો. સિંગલ બેન્ચના ચૂકાદા સામે રાજ્ય સરકારે ડિવિઝન બેન્ચ સમક્ષ પડકાર્યો હતો. જે કેસને લઈને ચીફ જસ્ટિસની બેંચે સરકારની અપીલ માન્ય રાખી સિંગલ જજના ચૂકાદાને ઉપલી કોર્ટે ફગાવી કાઢ્યો છે. કોર્ટે પોતાના આદેશમાં એવું નોંધ્યું છે કે, મેડિકલ પ્રવેશમાં મેનેજમેન્ટ ક્વોટામાં અનામતની છૂટછાટનો લાભ આપી શકાય નહીં. જોકે, હવે બોર્ડની પરીક્ષા પૂરી થવામાં છે. રાજ્યમાં ફરી એકવખત વિદ્યાર્થીઓ અને વાલીઓ મિશન એડમિશન તરફ આગળ વધશે.
જોકે, આ વખતે બે વર્ષના કોવિડકાળ બાદ ફરી કૉલેજ એડમિશનને લઈને ધમધમી ઊઠશે. આ મામલે મેડિકલ કૉલેજોએ પણ પોતાની તૈયારીઓ કરી લીધી છે. જોવાનું એ રહે છે કે, બે વર્ષના કસોટીકાળ બાદ આ વખતે જુદા જુદા પ્રવાહનું પરિણામ કેવું આવે છે ખાસ કરીને મેડિકલ કૉલેજને લઈને પરિણામ પર અનેક વિદ્યાર્થીઓની આશા છે. એટલે આ વખત ન માત્ર સાયન્સ સ્ટ્રિમ પણ કોમર્સ સ્ટ્રિમમાંથી પણ મોટી સંખ્યામાં એડમિશન શરૂ થાય એવા એંધાણ છે.

