પેટ્રોલ અને ડીઝલના ભાવવધારા બાદ ટ્રાન્સપોર્ટેશન મોંઘુ થયું છે. તો બીજી તરફ સ્કુલમાં વેકેશનની તારીખો જાહેર થતાની સાથે જ નગરજનોએ પરિવાર સાથે ટૂર પર જવાનું પ્લાનિંગ પણ શરૂ કરી દીધું છે. પરંતુ બે વર્ષ બાદ મુસાફરોના ધસારાને જોતા ટૂરપેકેજો 30થી 80 ટકા સુધી મોંઘા બન્યાં છે. તો ગોવાનો ભાવ જે પહેલા 6 હજાર હતો તેમાં રૂપિયા 4 હજારનો વધારો થઈને રૂપિયા 10 હજારે પહોંચ્યો છે.

મોટાભાગના પરિવારો 3થી 7 દિવસ સુધીના પ્રવાસોનું આયોજન કરતાં હોય છે. ત્યારે હોટલોના ચાર્જમાં પણ વધારો થયો હોવાથી પેકેજ મોંઘા થઈ ગયા છે. એક દિવસની ટૂરમાં ખાસ કરીને સાપુતારા, ઈગતપુરી, સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસો ફૂલ છે. જ્યારે ગોવા, મનાલીના ભાવ 10 હજારથી 25 હજાર થઈ ગયા છે.

સાત દિવસ માટે લદ્દાખ જવા માટે હવે તમારે 24થી 30 હજાર, હિમાચલ માટે 24થી 31 હજાર, ઉત્તરાખંડ માટે 25થી 32 હજાર, કેરલા માટે 23થી 27 હજાર અને સિક્કિમ માટે 26થી 31 હજાર રૂપિયા સુધીનો ભાવ પરિવારોને ચુકવવો પડશે. તો ત્રણ દિવસ અને ચાર નાઈટના પેકેટમાં જનારા વ્યક્તિને ગોવા માટે 10 હજાર, ભૂજ-અંજાર 8 હજાર, દ્વારકા સોમનાથ 10 હજાર રૂપિયા પ્રતિ વ્યક્તિના ચુકવવા પડી રહ્યાં છે.

તેમજ એક દિવસ માટે ટૂરમાં જઈ રહેલાઓને સાપુતારા માટે રૂપિયા 800, ઈગતપુરી માટે રૂપિયા 6 હજાર, કેવડિયા માટે રૂપિયા 3200 ચુકવવા પડશે. મોટા ભાગે લોકો શુક્ર, શનિ અને રવિવારે ફરવા જતા હોય છે. એટલે હોટલો દ્વારા પણ આ જ દિવસોમાં રૂમના ભાવમાં વધારો કરી દેવામાં આવે છે. આમ જોતાં શુક્ર, શનિ અને રવિવારના પેકેજ પ્રમાણમાં ઘણા મોંઘા થઈ ગયા છે.

