દેશભરમાં દિવસે દિવસે મોંઘવારી મોટા રાક્ષસનીજેમ મોઢું ફાડીને ઉભી છે જેના કારણે ગરીબ અને મધ્યમ વર્ગની કમર તૂટી ગઈ છે છેલ્લા એક સપ્તાહમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં 5થી 6 રૂપિયા સુધીનો વધારો નોધાયો તેલ અને રાંધણ ગેસ પણ મોંઘુ થતા કોંગ્રેસ પક્ષ દ્વારા દેશભરમાં વિરોધ કાર્યક્રમ કરી રહ્યું છે ત્યારે આજે મોરબીમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતીભાઈ પટેલની આગેવાનીમાં મોંઘવારીના વિરોધમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેના ભાગરૂપે આજે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો સરદાર બાગ ખાતે આવેલ સુભાષચંદ્ર બોઝની પ્રતિમાથી સરદાર પટેલની પ્રતિમા સુધી ગેસ સીલીન્ડર,તેલના ડબ્બા અને મોંઘવારી તેમજ સરકારની નીતિ વિરુદ્ધના સુત્રોચ્ચાર સાથે બેનર રેલી કરી હતી તેમજ નવા બસ સ્ટેશન સામે સરકાર વિરુધ્દ સુત્રોચ્ચાર કરી રસ્તા પર ચક્કાજામ કર્યો હતો અને કેન્દ્ર અને રાજ્ય સરકાર વધતી જતી મોંઘવારી સામે નિષ્ફળ ગઈ હોવાનું જણાવી આવી સરકારને નકારી આગામી દિવસોમાં મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગની ખેવના કરે તેવી સરકાર લાવવા અપીલ કરી હતી.
કોંગ્રેસના સુત્રોચ્ચાર અને ચક્કાજામની ઘટના બાદ પોલીસ દોડી આવી હતી જોકે પોલીસ પહોચે તે પહેલા કોંગ્રેસે વિરોધ કાર્યક્રમ પૂર્ણ કરી દીધો હતો


