રાજ્યમાં ધો. 10 અને 12 બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે. બોર્ડની પરીક્ષામાં અનેક વિદ્યાર્થીઓ ખોટા પરીક્ષા કેન્દ્ર ઉપર પહોચી જતા હોય છે. ત્યારે આવા વિદ્યાર્થીઓને યોગ્ય પરીક્ષા કેન્દ્ર ઉપર પહોંચાડવા માટે રાજકોટ પોલીસ દ્વારા અનોખી પહેલ કરાઈ છે. આજે પરીક્ષાના ખોટા કેન્દ્ર ઉપર પહોંચેલી છાત્રાએ પોલીસ હેલ્પલાઈન ઉપર કોલ કરીને મદદ માંગી હતી. ગણતરીની મીનીટમાં પોલીસની વાન ત્યાં પહોંચી અને છાત્રાને તેના પરીક્ષા કેન્દ્ર ઉપર પહોંચાડી હતી.

ગુજરાત માધ્યમિક બોર્ડ તથા ઉચ્ચતર માધ્યમિક બોર્ડની આજથી પરીક્ષા શરૂ થઇ ગઈ છે. પરીક્ષાર્થીઓ પોતાના ઘરેથી વાહન પર નીકળીને પરીક્ષા કેન્દ્ર પર જવા રવાના થાય અને રસ્તામાં તેમને ટ્રાફિક નડે કે તેમનું વાહન બગડી જાય અથવા તો ખોટા કેન્દ્ર પર પહોંચે તો તેમને પરીક્ષા કેન્દ્રએ નિયત સમયે પહોંચવામાં મુશ્કેલી પડે ન પડે એ માટે રાજકોટ પોલીસે એક હેલ્પલાઇન નંબર જાહેર કર્યા છે. જ્યાં 9054335925 પર ફોન કરતાં તુરંત પોલીસ તેમની મદદ કરે છે.

ત્યારે આવો જ એક કિસ્સો રાજકોટમાં બન્યો છે. એક વિદ્યાર્થિની ધોરણ 10ની પરીક્ષા માટે મુરલીધર સ્કૂલમાં પરીક્ષા આપવા માટે પહોંચી હતી. જોકે હકીકતમાં આ વિદ્યાર્થિનીનો નંબર આઇ.પી.મિશન સ્કૂલમાં હતો. વિદ્યાર્થીની ભૂલથી પ્રહલાદનગર શાળામાં પરીક્ષા આપવા માટે પહોંચી હતી. જેથી તેણે તુરંત પોલીસનો સંપર્ક કરતા ટ્રાફિક શાખાના જવાનોએ વિદ્યાર્થિની સમયસર તેના સાચા પરીક્ષા કેન્દ્ર પર પહોંચાડી હતી.

