મોંઘવારી મુદ્દે કોંગ્રેસે સરકાર સામે વિરોધ પ્રદર્શન કર્યું છે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, રઘુ શર્મા, શહેર પ્રમુખ નીરવ બક્ષી અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ મોંધવારીનો વિરોધ કર્યો છે. કોંગ્રેસે રસ્તા પર ઊતરી મોંધવારીનો વિરોધ કર્યો છે. અમદાવાદ શહેરના અમરાઈવાડી ચાર રસ્તા પાસે કોંગ્રેસ નેતાઓ તથા આગેવાનોએ બેનર સાથે સુત્રોચ્ચાર કર્યો હતો. ગેસના બાટલા ઊંધા કરીને નારેબાજી કરી હતી. આ ઉપરાંત ભાજપના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું.

રસ્તા પર બેસી જઈ રસ્તો બંધ કરી દીધો હતો. જેના કારણે રસ્તા પર ચક્કાજામ થયો હતો. વિરોધ પ્રદર્શન કરવા માટે આવેલી મહિલાઓ પોલીસની ગાડી પર ચઢી ગઈ હતી. પછી પોલીસે કોંગ્રેસના કાર્યકર્તાઓની ટીંગાટોળી કરીને પોલીસવાનમાં લઈ ગઈ હતી. આ પહેલા થયેલા વિરોધમાં પોલીસ સાથે ઝપાઝપી પણ થઈ હતી. ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ તરફથી ગુરૂવારે મોંધવારી મુદ્દે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પ્રદેશ કાર્યાલયથી મોંધવારીની નનામી બનાવીને પૂતળાદહન કર્યું હતું. પણ આ વિરોધ પ્રદર્શન મોટું રૂપ લે એ પહેલા કોંગ્રેસ કાર્યાલયમાંથી જ પોલીસે એ તમામ લોકોની અટકાયત કરી હતી. જેના કારમે પોલીસ, ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, પ્રભારી રઘુ શર્મા સહિતના કોંગ્રેસ કાર્યકર્તાઓ સાથે પોલીસની ઝપાઝપી થઈ હતી. કોંગ્રેસ તરફથી એક એવો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો કે,પોલીસે બપોરથી જ કોંગ્રેસ કાર્યાલયમાં આવીને સર્ચ ઑપરેશન કર્યું હતું. મોંધવારીની નનામી શોધી હતી. આ મામલે કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર કહ્યું કે, પ્રદેશ કાર્યાલય ખાતે જે ઘટના બની છે એ મામલે અમે ઉપરના અધિકારીઓ સુધી ફરિયાદ કરીશું. અમારી પણ લીગલ સેલની ટીમ કામ કરી રહી છે. જામનગરમાં પણ કોંગ્રેસના કાર્યક્રમમાં યુવાનને માર મારવામાં આવ્યો હતો. પોલીસે ખોટી રીતે ધમકાવ્યા હતા. જ્યારે આ મામલે અધિકારીઓને પૂછ્યું ત્યારે એમની પાસે કોઈ જવાબ ન હતો.

આ ભાજપ સરકાર ડરી ગઈ છે. પણ અમે ડરીશું નહીં. દિવસે દિવસ વધતી જતી મોંઘવારીને કારણે જનતાને જીવન જીવવુ મુશ્કેલ બનતુ જઈ રહ્યું છે. મોંઘવારી મુદ્દે કોંગ્રેસનું વિરોધપ્રદર્શન યોજાયું છે. પેટ્રોલ ડીઝલની સાથોસાથ ગેસ અને અન્ય વસ્તુઓના ભાવ વધતા પ્રજા ત્રાહિમામ પોકારી ઊઠી છે. ખાસ કરીને ગેસ અને ખાદ્યતેલના ભાવમાં મોટો વધારો થતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. જે મામલે હવે કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું છે.


