બોર્ડની પરીક્ષાઓ સોમવારથી શરૂ થઈ ચૂકી છે. વિદ્યાર્થીઓએ આખું વર્ષ તનતોડ મહેનત કરી છે. હવે સામાન્ય ડર સાથે તેઓ પરીક્ષા આપી રહ્યા છે. માસ પ્રમોશનથી પાસ થયા બાદ સીધઈ જ ઓફલાઈન કસોટી આવી ગઈ છે. વિદ્યાર્થીઓમાં ક્યાંક ખુશી તો ક્યાંક મુંઝવણ જોવા મળી હતી. રેગ્યુલર વિદ્યાર્થીઓની સાથે 30 વર્ષથી મોટી ઉંમરના ઉમેદવાર પર કસોટી માટે આવ્યા હતા. આ ઉમેદવાર ધો.10ની પરીક્ષા દેવા માટે આવ્યા હતા.

અમદાવાદ શહેરની કામેશ્વર સ્કૂલ ખાસે પરીક્ષા આપવા માટે આવેલા 35 વર્ષના હર્ષાબેને કહ્યું કે, એમના પતિનું કોરોનામાં અવસાન થયું હતું. એમની જગ્યાએ નોકરી મેળવવા માટે અભ્યાસ અનિવાર્ય છે. આ માટે જ તેઓ ધો.10ની વાર્ષિક પરીક્ષા આપી રહ્યા છે. બીજી બાજું એક દીકરાના માતા 49 વર્ષના દિપ્તીબેન રોજગારી મેળવવા માટે પરીક્ષા દેવા માટે આવ્યા હતા. આ બંને બહેનો ધો.10ની કસોટી આપી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, જ્યાં જ્યાં નોકરી માટે જાય છે ત્યાં 10 અને 12 પાસ માગે છે. જેથી હવે પરીક્ષા આપવા સિવાય કોઈ વિકલ્પ બાકી રહ્યો નથી. વડોદરામાં પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓને ઢોલ નગારાના તાલે આવકારવામાં આવ્યા હતાં. પ્રવેશ સમયે વિદ્યાર્થીઓનું ચેકીંગ કરવામાં આવશે. કેન્દ્ર પર પશ્ચાતાપ પેટી પણ રાખવામાં આવી છે. જેથી વિદ્યાર્થી પોતાના સાથે કોઈ સાહિત્ય કે કાપલી લઈને આવ્યા હોય તો અંતિમ સમયે પણ તેમાં મૂકી શકે. જ્યારે સૌરાષ્ટ્રના રાજકોટમાં દરેક વિદ્યાર્થીઓને ચાંદલો કરીને મોઢું મીઠું કરાવીને પ્રવેશ આપવામાં આવ્યો હતો.

આ ઉપરાંત મોટભાગના પરીક્ષા કેન્દ્રમાં વિદ્યાર્થીઓને પીવાના પાણીની બોટલ લઈ જવાની છૂટ અપાઈ છે. અમદાવાદ શહેરમાંથી 1,73,142 વિદ્યાર્થીઓ પરીક્ષા દેવાના છે. રાજકોટ શહેરમાંથી સોમવારથી શરૂ થતી ધો.10 અને 12 ની પરીક્ષામાં જિલ્લામાં ધો.10માં 175 બિલ્ડીંગના 1592 બ્લોક પરથી 47760 વિદ્યાર્થીઓ, ધો.12 સામાન્ય પ્રવાહમાં 79 બિલ્ડીંગના 731 બ્લોક પરથી વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.

