દેશના જુદા જુદા રાજ્યમાં એપ્રિલ મહિનો શરૂ થાય એ પહેલા જ કાળઝાળ ગરમી પડવાનું શરૂ થઈ ગયું છે. સૂર્ય દેવતાએ પોતાનો આકરો મિજાજ દેખાડવાનું શરૂ કર્યું છે. રાજસ્થા અને મધ્ય પ્રદેશ સહિત ઘણા રાજ્યમાં તાપમાનનો પારો દિવસે દિવસે ઉપર ચડી રહ્યો છે. દેશની રાજધાની દિલ્હી અને યુપીના કેટલાક શહેરમાં માર્ચ મહિનમાં જ તાપમાન 38 ડિગ્રીને પાર થઈ ગયું છે. એવામાં હવે હવામાન વિભાગે આવનારા પાંચ દિવસ સુધી ગરમીને લઈને આગાહી વ્યક્ત કરી છે.
જેની અસર ઉત્તર, પશ્ચિમ અને મધ્ય ભારતને થશે. ત્યાં ગરમ પવનો ફૂંકાવવાની શરૂઆત થશે. દેશના હવામાન ખાતાના જણાવ્યા અનુસાર ગુજરાતમાં આવનારા ચારથી પાંચ દિવસ સુધી ભયાનક લૂં ફૂંકાશે. જેના કારણે લોકોને સાવચેત રહેવા માટે હવામાન ખાતાએ ચેતવણી આપી છે. ગુજરાત રાજ્યમાં આવનારા પાંચ દિવસ ખૂબ જ ગરમ રહેવાના છે. ખાસ કરીને બપોરના સમયે લૂં ફૂંકાશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, આવનારા દિવસોમાં લૂંનો મારો શરૂ થઈ શકે છે. જેની અસર ખાસ કરીને પશ્ચિમ અને મધ્યના રાજ્યોને થવાની છે. દેશના હવામાન ખાતાના રીપોર્ટ અનુસાર હીટવેવ શરૂ થશે જેની અસર રાજસ્થાન, ગુજરાત, હરિયાણા, પંજાબ, દિલ્હી, જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ તેમજ મધ્ય પ્રદેશ, ગુજરાતમાં વર્તાશે. આવનારા 15 દિવસ સુધી વરસાદની કોઈ પ્રકારે શક્યતાઓ નથી. ઉત્તર ભારત, પશ્ચિમ ભારત અને મધ્ય ભારતમાં ગરમીથી રાહત મળવાના કોઈ પ્રકારના એંધાણ નથી. સુકા હવામાન વચ્ચે દિવસ દરમિયાન સૂર્યના તાપને કારણે વાતાવરણ ગરમ થશે. ઉનાળાની શરૂઆતમાં રાજસ્થાનના બાંસવાડામાં દિવસનું તાપમાન 42.1 ડિગ્રી સુધી પહોંચી ગયું છે.

દેશની રાજધાની દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 20.4 ડિગ્રી નોંધાયું છે. જે સામાન્ય દિવસના તાપમાન કરતા બે ડિગ્રી વધારે છે. એપ્રિલ મહિનામાં ગરમી તમામ રેકોર્ડ તોડશે એ પ્રકારનું અનુમાન છે. આ પહેલા હવામાન વિભાગે પણ આગાહી કરી હતી કે, ગુજરાતમાં આવનારા સાત દિવસો અતિ ગરમ રહેવાના છે. જેની અસર અમદાવાદ સહિત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છ પર વર્તાશે. જોકે, આ વખતે ઉનાળો આકરો રહેવાના એંધાણ છે. છેલ્લા ચાર દિવસથી રાજ્યમાં દિવસ દરમિયાન ગરમી પડે છે. પણ બપોર બાદ ટાઢોળું વર્તાય છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છમાં ભેજનું પ્રમાણ વધારે હોવાને કારણે સાંજના સમયે ઠંડક અનુભવાય છે.

