રાજકોટમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં દર્દીઓના સગાઓને તબીબે બહાર બેસવાનું કહેતા ચાર શખસોએ તબીબને તમાચો માર્યો હોવાનું સામે આવ્યું છે. આ અંગે તબીબે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી છે. જ્યારે અન્ય એકની શોધખોળ હાથ ધરી છે.

આ બનાવ અંગે ડો.મોહિત સગપરીયાએ જણાવ્યું કે, ઢેબર રોડની મધુરમ્ હોસ્પિટલમાં પાંચ વર્ષથી ડોક્ટર તરીકે નોકરી કરુ છું. ગઇકાલે રાતે સાડા નવેક વાગ્યે હું હોસ્પિટલમાં હતો ત્યારે કોઠારિયા રોડ પર ખોખડદડની બાજુમાં આવેલા લાપાસરી ગામમાં રહેતાં વેલસીંગભાઇ મેરૂભાઇ લાડુ નામના વ્યક્તિને ડાબા પગે સાપ કરડી ગયો હોય હોસ્પિટલમાં રૂમ નં. 308માં સારવાર માટે દાખલ કરાવામાં આવ્યા હતાં.

આ દર્દીની સારવાર કરતો હતો ત્યારે રાતે સવા દસેક વાગ્યે રૂમની અંદર તેના સગા સંબંધી હોય તે સારવારમાં અડચણરૂપ બનતા હતા. આથી તેમને રૂમની બહાર જવાનું કહેતાં 15 જેટલા વ્યક્તિઓએ મારો વિરોધ કર્યો હતો અને બાદમાં તેમાંથી ચાર વ્યક્તિએ મારી પાસે આવી મને ગાળો દીધી હતી. તેમજ જેમ ફાવે તેમ મોઢા પર ઝાપટો મારવા લાગ્યા હતાં. તેમજ ઢીકાપાટુનો માર માર્યો હતો. મને મારી નાંખવાની અને હોસ્પિટલ બંધ કરાવી દેવાની ધમકી આપવા માંડ્યા હતાં.

બાદમાં દેકારો થતાં સ્ટાફના આયાબેન તેમજ વજુભાઇ, ધર્મેશભાઇ, હરેશભાઇ સહિતનાએ આવી મને છોડાવ્યો હતો. એ પછી આ લોકો તેના દર્દી વેલસીંગભાઇને પોતાના વાહનમાં લઇને જતાં રહ્યા હતાં. અમારી રીતે તપાસ કરી નામ જાણતાં દશરથસિંહ શીવુભા ભટ્ટી, મહિપતસિંહ બહાદુરસિંહ ચૌહાણ, પ્રભાતસિંહ ઉર્ફ પ્રતાપસિંહ રામસિંહ ભટ્ટી હોવાનું જાણવા મળ્યું હતું. ચોથા શખસનું નામ અમને જાણવા મળ્યું નહોતું. આથી પોલીસે ડોક્ટરની ફરિયાદ પરથી ત્રણેય આરોપીની ધરપકડ કરી અન્ય એક શખસની શોધખોળ હાથ ધરી છે.

